મહેસાણાની ચામુંડાનગર સોસાયટીમાં દૂષિત પાણી આવતાં મનપા તંત્ર દોડતું થયું
પ્રતિકાત્મક
મહેસાણા, મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટર પાસેની ચામુંડા નગર સોસાયટીમાં કેટલાક દિવસથી દૂષિત પાણીની રાવ સાથે રોગચાળાની દહેશતને લઈ મહાપાલિકા તંત્ર દોડતું થયું છે.
શુદ્ધ પાણીમાં ગંદુ પાણી ક્યાંથી ભળે છે તે શોધવાની કવાયતની સાથે સાથે વિસ્તારમાં સરવે કરીને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.ચામુંડાનગર સોસાયટીના ૨૫ જેટલા ઘરોમાં કેટલાક દિવસથી નળમાંથી દૂર્ગંધયુક્ત ડહોળું પાણી આવતું હોવાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલટી જેવા પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાયા હોવાની રાવ પણ ઉઠી છે. આ બાબતે રહીશોએ કરેલી રજૂઆત બાદ મનપા તંત્ર દ્વારા દૂષિત પાણી ક્યાંથી આવે છે તે શોધવા માટે છેલ્લા ત્રણ દિવસથી ખાડા કરીને પાણીની લાઈનોની ચકાસણી હાથ ધરાઈ છે.
મનપાની પાણી શાખાના ઈજનેરે જણાવ્યું હતું કે, અહીં ઘરેનાં જોડાણ જૂની લોખંડની પાઈપોનાં હોવાથી તેમજ ગટરલાઈન આવ્યા બાદ પણ શોષકૂવા પૂર્યા ન હોવાથી તૂટેલી પાઈપમાંથી દૂષિત પાણી ભળવાની સંભાવના વધી જાય છે.
ક્યાંથી દૂષિત પાણી ભળે છે, તે શોધીને સમસ્યાનો ઉકેલ લાવી દઈશું. તો મનપાના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ચામુંડાનગર સોસાયટી વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાના સમાચાર મળતાં તકેદારી રૂપે સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી કરાઈ હતી.
ચામુંડાનગર સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં કુલ ૧૪૪ ઘરની ૬૭૩ વસતીની સર્વેલન્સ કામગીરી કરાઈ છે. ૯ ક્લોરીન ટેસ્ટ અને ૪ બેક્ટેરોલોજિકલ ટેસ્ટ કરાયા છે અને કલોરીન ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં હાલમાં ઝાડા-ઉલટીના ચાર કેસ મળી આવ્યા છે અને તેમની તબીયત સારી છે. તેમજ સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ કામગીરીનું આયોજન કરી એક સપ્તાહ સુધી આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી ચાલુ રખાશે.SS1MS
