લોયોલા સ્કૂલમાં ૩.૨૧ કરોડની ઉચાપત કરનાર ત્રણને કેદ
અમદાવાદ, શહેરની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં ૩.૨૧ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ સહિત ત્રણને મેટ્રોકોર્ટે ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતીએ નોંધ્યું હતું કે, શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ પ્રિન્સિપાલની બોગસ સહીઓ કરી અને વાલીઓ પાસેથી મળેલી રોકડ ફી જમા ન કરાવી કુલ ૩,૨૧,૦૯,૧૭૫ની ઉચાપત કરી હોવાનું પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા દાખવી શકાય નહીં.
સેન્ટ ઝેવિયર્સના પ્રિન્સિપાલ ફાધર ઝેવિયર અમલરાજે ૩૧ જાન્યુ. ૨૦૨૦ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મનિષા શંકરભાઈ વસાવા (રહે. બોપલ) છેલ્લા ૨૧ વર્ષથી શાળામાં ક્લાર્ક તરીકે અને છેલ્લા ૧૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતી. શાળાના તમામ હિસાબોની જવાબદારી તેની પાસે હતી.
જોકે, જ્યારે ઓડિટર દ્વારા હિસાબો માગવામાં આવ્યા ત્યારે મનિષાએ ગલ્લાતલ્લા કર્યા હતા અને બાદમાં રજાની મંજૂરી લીધા વિના જ શાળાએ આવવાનું બંધ કરી દીધું હતું. શાળાના અન્ય સ્ટાફ દ્વારા તપાસ અને ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મનિષાએ પૂર્વ પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સની બોગસ સહીઓ કરી શાળાના જુદા જુદા ખાતાઓમાંથી અંદાજે ૨.૮૪ કરોડ ‘ડીડક્શન ખાતા’ માં ટ્રાન્સફર કર્યા હતા.
વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન વાલીઓ પાસેથી મળેલી અંદાજે ૩૩.૬૫ લાખની સહિતની રોકડ ફી પણ શાળાના ખાતામાં જમા કરાવવાને બદલે ઓળવી જવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરી મહિલા ક્લાર્ક મનિષા શંકરભાઈ વસાવા (ધીરેનની પત્ની), ધીરેન અશ્વિનભાઇ અધિકારી તથા જયેશ સુનિલકુમાર વાસવાનીની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી.આ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે એડવોકેટ શ્રીધર દેરાસરી હાજર રહ્યા હતા.
જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આખોય કેસ નિશંકપણે પુરવાર થાય છે, આરોપીઓને સાક્ષી સહિતના પક્ષકારોએ ઓળખી બતાવ્યા છે, ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે ત્રણે આરોપીઓને દોષિત ઠેરવી ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે.
ઓડિટરે કરેલા ઓડિટમાં શાળાના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના જુદા-જુદા પાંચ ખાતામાંથી સમયાંતરે ૨,૮૪,૦૦,૭૨૮ની રકમ મનિષાએ શાળાની જાણ બહાર આર.ટી.જી.એસ.થી તથા ચેક થકી ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે તે સમયે શાળાના આચાર્ય તરીકે ફાધર ચાર્લ્સ અરુલદાસ ફરજ બજાવતા હોવાથી તેમને પૂછતાં તેમણે આ પ્રકારના કોઈ ચેકમાં સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં વાલીઓએ રોકડમાં ચૂકવેલી શાળાની ફી ૧૩,૫૦,૦૦૦ તથા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની ૨૦,૧૫,૪૭૦ની રોકડ રકમ પણ શાળાના ખાતામાં જમા કરાવવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, તપાસમાં એવી વિગત પણ ખૂલી હતી કે, ઝેવિયર્સ શાળાની ચેકબૂક મનિષા ઘરે લઈ જઇ પતિ ધીરેનને આપતી હતી ત્યારબાદ તેઓ પૈસા ઉપાડી લેતા હતા.SS1MS
