કૂતરું કરડે તો નજીકના અર્બન સેન્ટરમાં હડકવાની રસીનો પ્રથમ ડોઝ અપાશે
અમદાવાદ, શહેરમાં રખડતાં કૂતરાં દ્વારા નાગરિકોને કરડવાનાં કિસ્સામાં વધારો થતાં હડકવા વિરોધી રસી લેવા છેક મ્યુનિ. હોસ્પિટલો સુધી કે ચોક્કસ અર્બન હેલ્થ સેન્ટર સુધી લાંબા થતાં લોકોને રાહત આપતાં મ્યુનિ. હેલ્થ ખાતાએ તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે હડકવા વિરોધી રસીનો પહેલો ડોઝ આપવાનું શરૂ કર્યુ છે.
મ્યુનિ. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રખડતા કૂતરાં તેમજ હડકવા વિરોધી રસી અંગે થયેલી ચર્ચા બાબતે મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રખડતાં કૂતરાં કરડવાનાં કિસ્સા ઓછા નોંધાય છે, તેમ છતાં દર મહિને સરેરાશ સાત આઠ હજાર લોકો કૂતરાં કરડ્યાની ફરિયાદ લઇ આવતાં હોય છે.
જ્યારે શિયાળાની મોસમમાં રખડતાં કૂતરાં કરડવાનાં કિસ્સા વધી જાય છે અને મહિને ૧૦ હજાર કિસ્સા નોંધાય છે.તેમણે કહ્યું કે, રખડતાં કૂતરાં કરડે ત્યારે હડકવા વિરોધી રસી આપવા માટે મ્યુનિ. હોસ્પિટલો તેમજ ૨૫ જેટલાં અર્બન હેલ્થ સેન્ટરો તેમજ કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર(સીએચસી)માં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રખડતાં કૂતરાં કરડવાનાં કેસમાં વધારો નોંધાયા બાદ નાગરિકોને વી.એસ. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલ કે નિશ્ચિત કરાયેલાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે જવુ પડતુ હોય છે, મ્યુનિ.હોદ્દેદારોની સૂચનાથી તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવાનો અને તે પછીનાં ડોઝ મોટા સેન્ટર ખાતે આપવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
આ પ્રકારની વ્યવસ્થા કરવા પાછળનું કારણ આપતાં ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, હડકવા વિરોધી રસી છેક ઉત્તરાખંડ સ્થિત કસોલી ખાતેનાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી મગાવવામાં આવે છે અને મ્યુનિ.ને હડકવા વિરોધી રસીનુ એક ઇન્જેક્શન ૨૦૦ રૂપિયામાં પડે છે, જેમાથી ચાર પાંચ વ્યક્તિને ડોઝ આપી શકાય છે.
નાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રખડતુ કૂતરું કરડ્યાની ફરિયાદ લઇ આવનારને હડકવા વિરોધી રસી આપવા માટે વાયલ ખોલવામાં આવે તે પછી વાયલ પડી રહે અને બગડી જાય તેવી સ્થિતિ સર્જાતી હોવાથી નાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસી આપવામાં આવતી નહોતી અને દર્દીને હોસ્પિટલ અથવા મોટા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોકલાતા હતા. પરંતુ હવે પ્રથમ ડોઝ આપવાનો નિર્ણય લેવાયો છે અને તમામ ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં હડકવા વિરોધી રસી મોકલાઈ છે.SS1MS
