Western Times News

Gujarati News

હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામ કરતો રહું એ જ મારું ધ્યેય છે: અનિલ કપૂર

મુંબઈ, ૬૯ વર્ષની ઉંમરે પણ અવિરત કામ કરતા અને હંમેશા ઊર્જાથી છલકાતા અનિલ કપૂરે આ ઉંમરે પણ પોતાના જુસ્સાનું રસપ્રદ કારણ જાહેર કર્યું છે. તેણે કહ્યું કે તેની અંદરની અસુરક્ષા જ તેને સતત સક્રિય અને ઉત્સાહી રાખે છે.

અનિલ કપૂરની ‘સુબેદાર’ પ્રાઇમ વીડિયો પર આવવાની છે, તે પહેલાં એક ખાસ ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે વિગતે વાત કરી હતી. નિવૃત્તિની ઉંમરે પણ કોઈ વ્યક્તિ આટલી એનર્જેટિક કઈ રીતે રહી શકે, તે વિશે અનિલ કપૂરે કહ્યું, “મને લાગે છે કે આ મારી અસુરક્ષા છે. હું કામ કરવું માંગું છું. કામમાં મારી એનર્જી દેખાય છે તો તેનું કારણ એ છે કે હું હંમેશા પ્રસ્તુત રહેવા માગુ છું.

મને કામ મળતું રહે, હું ત્યાં રહું – એ મારા માટે ખૂબ મહત્વનું છે. એથી જ એનર્જી આવે છે.”તેણે વધુમાં ઉમેર્યું, “હું નકલી રીતે એનર્જી નથી બતાવી શકતો. મારી મુખ્ય પ્રેરણા એ છે કે ‘મારે સારું કામ કરવું છે’. હું સારું કામ કરું તો દિગ્દર્શક પણ ખુશ રહે, હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ આપું – એ જ મારું ધ્યેય છે. કદાચ મને લાગે છે કે મારું કામ હજુ પૂરતું નથી અને હજુ ઘણું શીખવાનું બાકી છે.

તેથી વધુ સારી રીતે કામ કરવા માટે ફિટનેસ અને ઊર્જા જરૂરી છે.”આ ઉપરાંત અનિલ કપૂરે આ ઇન્ટરવ્યુમાં તેના વિવિધ ફિલ્મોમાં એક્ટિંગ કરવાના કિસ્સા, અમરીશ પુરી અને ઓમ પુરી જેવા કલાકારો પાસેથી કામ શીખવાના અનુભવો વગેરે વિશે વાત કરી હતી. અનિલ કપૂર છેલ્લે ‘વાર ૨’માં કર્નલ વિક્રાંત કૌલ તરીકે જોવા મળ્યા હતા. હવે તે એક્શન ડ્રામા સુબેદારમાં નજર આવશે.‘સુબેદાર’માં અનિલ કપૂર ઉપરાંત રાધિકા મદાન મુખ્ય ભૂમિકામાં છે.

સાથે જ સૌરભ શુક્લા, આદિત્ય રાવલ, ફૈસલ મલિક અને મોના સિંહ પણ મહત્વના પાત્રોમાં છે.ઓપનિંગ ઇમેજ ફિલ્મ્સ અને અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ વિક્રમ મલ્હાત્રા, અનિલ કપૂર અને સુરેશ ત્રિવેણીએ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન સુરેશ ત્રિવેણીએ કર્યું છે અને તેમણે પ્રજ્વલ ચંદ્રશેખર સાથે મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે. ‘સુબેદાર’ ૫ માર્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં પ્રીમિયર થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.