‘લૈલા મજનૂ’નાં મેકર્સ ફરી સાથે આવ્યાં ‘હીર રાંઝા’ નામની સિક્વલની જાહેરાત
મુંબઈ, ‘લૈલા મજનૂ’ની કલ્ટ સફળતા બાદ ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે. બંને પ્રભાવશાળી સર્જનાત્મક શક્તિ ધરાવતી આ જોડી ફરી સાથે મળીને ‘હીર રાંઝા’ નામે ફ્રેન્ચાઇઝીના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે.
આ ફિલ્મ ‘લૈલા મજનૂ’ની પ્રેમકથાને આગળ વધારશે અને દર્શકો સાથેનો તેનો ઊંડો ભાવનાત્મક સંબંધ પણ આગળ વધારશે. પરંપરાગત પ્રેમકથાના મૂળમાં રહેલી હોવા છતાં, ‘હીર રાંઝા’ને આજના સમયને અનુરૂપ રજૂ કરવામાં આવશે. નવી પેઢી માટે પ્રેમને નવી રીતે રજૂ કરતી આ ફિલ્મ કાવ્યાત્મક અને ભાવનાત્મક રીતે બનાવવામાં આવશે.
આ ફિલ્મનું નામ જાહેર થતાં જ ‘લૈલા મજનૂ’ના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ‘હીર રાંઝા’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને ફિલ્મનું દિગ્દર્શન સાજિદ અલી કરશે. જાહેરાત અંગે વાત કરતાં એકતા કપૂરે જણાવ્યું, “ઇમ્તિયાઝ અને સાજિદ પ્રેમને સચ્ચાઈ અને ઊંડાણ સાથે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. ‘લૈલા મજનૂ’ને સમય જતાં તેનો પ્રેક્ષકવર્ગ મળ્યો અને તે કલ્ટ ક્લાસિક બની. ‘હીર રાંઝા’ પણ એવી પ્રેમકથા હશે જે સમય અને લાગણીઓને પાર જઇને દર્શકોના દિલમાં સ્થાન બનાવશે. અમે આશા રાખીએ છીએ કે અમારી વાર્તા વિદેશોમાં વસતા ભારતીયો સહિત વૈશ્વિક દર્શકોના દિલને સ્પર્શવામાં સફળ રહેશે.”
જ્યારે ઇમ્તિયાઝ અલીએ કહ્યું, “‘હીર રાંઝા’નું પોતાનું અલગ જગત અને તાલ છે — તે આ પેઢીની પ્રેમની ભાષા બોલે છે અને સાથે સાથે પરંપરાગત મૂલ્યોની પણ વાત કરે છે. એકતા સાથે ફરી કામ કરવું એ જાણે એક સહિયારી ભાવનાત્મક ભાષાને સ્વાભાવિક આગળ વધારવા જેવું છે.” ઇમ્તિયાઝ અલી દ્વારા પ્રસ્તુત, સાજિદ અલી દ્વારા દિગ્દર્શિત અને શોભા કપૂર, એકતા કપૂર તથા પ્રીતિ અલી દ્વારા નિર્મિત ‘હીર રાંઝા’ એક પ્રતિકાત્મક રોમેન્ટિક ળેન્ચાઇઝીને આગળ વધારતી ફિલ્મ છે. વેલેન્ટાઇન ડે નિમિત્તે કરવામાં આવેલી આ જાહેરાત સદાબહાર પ્રેમકથાઓના ચાહકો માટે મહત્વની સાબિત થઈ છે.SS1MS
