ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ
વડનગરનો 2500 વર્ષ જૂનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવે છે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ બન્યું વિશ્વનું પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર
વીજ વિભાગ અંતર્ગત અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન અને સોલરાઇઝેશન થકી વડનગરની થશે કાયાપલટ
Ø શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની અંતર્ગત ઐતિહાસિક સ્થળોનું પુન: સ્થાપન કાર્ય, રોડ-રસ્તાના વિકાસ કાર્યો, તળાવોના આંતરિક જોડાણ સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે
Ø ગાયોના સંરક્ષણ માટે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌશાળાનું થશે નિર્માણ, જે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડલ બનશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ હોય કે નિર્માણાધીન દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળા, કે પછી ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કાર્ય, ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિકસી રહ્યું છે.

આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
વડનગરના 2500 વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસને સંરક્ષિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું ગત વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹300 કરોડના ખર્ચે બનેલ આ સંગ્રહાલય ભારતનું એકમાત્ર સંગ્રહાલય છે જે નવા ખોદકામમાંથી મળેલી વસ્તુઓ પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે અને વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરી પણ બનાવવામાં આવી છે.
તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યાત્રા જ્યાંથી શરૂ થઈ હતી, તે પ્રેરણા સ્કૂલ (સંકુલ)ને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલૉજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે. તે વિશ્વનું પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત, વડનગરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં હોસ્ટેલમાં કૉચ ઑફિસ, રેક્ટર ક્વાર્ટર, આધુનિક રસોડું, ડાઇનિંગ રૂમ, રિક્રિએશન રૂમ સહિતની સુવિધાઓ તેમજ સોલાર સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
વિશ્વકક્ષાનું હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે વડનગર
વડનગરમાં કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, વડનગરના પ્રાચીન દરવાજા અને કિલ્લેબંધીના અવશેષો, હાટકેશ્વર મહાદેવ મંદિર અને આસપાસનો વિસ્તાર, બૌદ્ધ મઠના પુરાતત્વીય અવશેષો તેમજ તાના–રીરી સ્મારક વગેરે સ્થળોના રીસ્ટોરેશનથી શહેરનો સમૃદ્ધ વારસો જીવંત બન્યો છે. ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે શહેરના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના અભિગમના પરિણામે, વડનગર આજે વિશ્વકક્ષાનું હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડનગરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવા માટેનો પ્રસ્તાવ પણ સક્રિય છે, જે અંતર્ગત નોમિનેશન ડૉસિયર અને સાઇટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.
આવનારા સમયમાં આ વિકાસ કાર્યોથી વડનગરની થશે કાયાપલટ
ભવ્ય વૃંદાવન ગૌ-શાળા: લગભગ 15 કરોડના ખર્ચે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળાનું નિર્માણ કરવામાં આવશે. ગૌ-શાળાને ‘રૂરલ ઇનોવેશન હબ’ તરીકે વિકસિત કરવામાં આવશે અને તે ગાયોના સંરક્ષણ માટે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડલ બનશે.
તળાવો અને જળાશયોનું આંતરિક જોડાણ: વડનગરમાં ૪૦ થી વધુ તળાવો પરસ્પર જોડીને વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ તળાવોને ઊંડા તેમજ સુવ્યવસ્થિત કરીને સૌંદર્ય વધારવામાં આવશે. આ ઉપરાંત, કુદરતી ગ્રેવિટી ફ્લો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે, જેના કારણે શહેરની વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા મજબૂત બનશે.
હેરિટેજ પરિસર અને ફસાડ ડેવલપમેન્ટ: પ્રેરણા સ્કૂલ પરિસર, કીર્તિ તોરણ પરિસર, પથ્થરની હવેલી અને શર્મિષ્ઠા તળાવ આસપાસના વિસ્તારોમાં પરંપરાગત સ્થાપત્યને જાળવી ફસાડ અને હેરિટેજ પરિસર વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે ઐતિહાસિક વિસ્તારોનું સૌંદર્ય વધશે.
હેરિટેજ રોડ અને જંકશન વિકાસ (ફેઝ-૨): શહેરના મુખ્ય માર્ગો અને જંકશનોનું હેરિટેજ થીમ આધારિત વિકાસ કરવામાં આવશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને પ્રવાસીઓને સરળ અને આકર્ષક અનુભવ મળશે.
અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન અને સોલરાઇઝેશન: શહેરમાં ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઘરો અને સરકારી ઇમારતો પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન દ્વારા વડનગરને ઊર્જાની દ્રષ્ટિએ વધુ ટકાઉ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
આયોજનબદ્ધ પુનર્વસન અને સ્લમ રિડેવલપમેન્ટ: આયોજનબદ્ધ પુનર્વસનની કામગીરી અને સ્લમ રિડેવલપમેન્ટ આયોજન દ્વારા શહેરી જીવનમાં સુધારો લાવવામાં આવશે.
