Western Times News

Gujarati News

ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટાપાયે ચાલી રહ્યો હોવાની શંકા

પ્રતિકાત્મક

હનુમાન ખિજડિયા ગામથી ગાંધીનગર અને અરવલ્લી જતા નકલી દૂધનું ટેન્કર ઝડપાયું-ટેન્કરોનો પીછો કરતા આપ નેતા યુવરાજસિંહ ઉપર જીવલેણ હુમલો થયાનો આક્ષેપ

વડિયા, વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ દૂધના બે ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હતા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા સહિતના આગેવાનો દ્વારા ટેન્કરનો પીછો કરીને અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટાપાયે ચાલી રહ્યો હોવાની શંકા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડીયા ગામમાંથી રોજ દૂધના બે ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી મળી હતી.

દૂધ સાચું છે કે નકલી તે જાણવા માટે સતત આ ટેન્કરોનો પીછો કરતા હતા. આજે પરબવાવડીથી હનુમાન ખીજડિયા તરફ જતા સમયે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટેન્કર ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકોએ ગાડી રોકી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાઈક પરથી પથ્થર ફેંકવામાં આવ્યો અને સ્ટીલનો રોડ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો.

ખીરસરા ગામ નજીક બે ગાડીએ તેમની ગાડી ઘેરીને અંદાજે ૧૦ થી ૧પ લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. ટેન્કર છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સ્થળોએ દૂધ ખાલી કરતું હોવાનો દાવો કર્યો હતો. જીપીએસ ટ્રેકિંગ સહિતના કેટલાક પુરાવા ઉપલબ્ધ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

તેમણે માગ કરી કે ટેન્કરને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસ કરવામાં આવે. ગૃહ રાજયમંત્રી અને સંબંધિત વિભાગોને આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.