અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશનઃ ડ્રગ્સ તસ્કરોની ૩ નૌકા પર ભયાનક હુમલો
વાશિગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જંગ છેડી દીધો છે. લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ નૌકાઓ પર અમેરિકી સૈન્યએ જોરદાર હુમલો કર્યાે છે, જેમાં ૧૧ લોકોના મોત નિપજ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે.
અમેરિકાની સેનાએ મંગળવારે લેટિન અમેરિકાના દરિયાઈ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ નૌકાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં કુલ ૧૧ લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાએ ડ્રગ્સ તસ્કરોને ‘નાર્કાે ટેરરિસ્ટ’ ગણાવી તેમની વિરુદ્ધ હવાઈ અને દરિયાઈ હુમલાઓ શરૂ કર્યા છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે ૧૪૫ લોકોના મોત થયા છે.અમેરિકન સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં બે નૌકાઓ અને કેરેબિયન સમુદ્રમાં એક નૌકાને તોડી પાડવામાં આવી હતી. પ્રશાંત મહાસાગરમાં જે બે નૌકાઓ પર હુમલો થયો તેમાં ૪-૪ લોકો સવાર હતા, જ્યારે કેરેબિયન સમુદ્રમાં ત્રીજી નૌકા પર સવાર ૩ લોકોના મોત થયા હતા.
સેનાએ અત્યાર સુધીમાં ડ્રગ્સની તસ્કરીના માર્ગાે પર અંદાજે ૪૨ હુમલાઓ કર્યા હોવાનો દાવો કર્યાે છે.અમેરિકન સેનાએ નૌકાઓને નષ્ટ કરવાના વીડિયો તો જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી નૌકાઓમાં ડ્રગ્સનો મોટો જથ્થો હતો તે અંગેના નક્કર પુરાવાઓ સાર્વજનિક કર્યા નથી. આમ છતાં, સેના આને આતંકવાદ વિરોધી અભિયાન જેવું જ મહત્વ આપી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા હાલમાં લેટિન અમેરિકાના ડ્રગ કાર્ટેલ સાથે સીધા સશસ્ત્ર સંઘર્ષમાં છે. દેશમાં ડ્રગ્સના પ્રવેશને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાં લેવા અનિવાર્ય છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ડ્રગ્સની હેરાફેરી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.SS1MS
