Western Times News

Gujarati News

ગાંધીનગરમાં રેલિંગ વિનાના બ્રિજ પરથી રિક્ષા નદીમાં પડી, એકનું મોત

દહેગામ, ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦ નજીક આવેલા સાબરમતી નદીના બ્રિજ પરથી સોમવારે બપોરે અંદાજે ૧૨ વાગ્યે પસાર થઇ રહેલી રિક્ષા અચાનક નદીમાં ખાબકી હતી.

આ અકસમાતમાં રિક્ષા ચાલક મોટી શિહોલી ગામના રાકેશ પ્રહલાદજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે ૪ કલાકની શોધખોળ કર્યા બાદ સાંજે યુવકની લાશ મળી ત્યાં સુધી લોકોના ટોળા નદી કિનારે ઉમટ્યા હતાં. યુવાનના મોતથી મોટી શિહોલીમાં રહેતા પરિવાર સહિત ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

રિક્ષાચાલક રાકેશ ઠાકોર મોટા ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જમીનના દસ્તાવેજ સંબંધિત કામ માટે રિક્ષા લઈને જઈ રહ્યો હતો. ત્યારે સેક્ટર-૩૦ બ્રિજ પરથી પસાર થતી વખતે કોઈ સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રિક્ષા રેલિંગ વિનાના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.

ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાંથી રિક્ષા બહાર કાઢી હતી. જોકે રિક્ષા ચાલક ગુમ હોવાથી લાશ્કરોએ નદીમાં શોધખોળ ચાલુ રાખતા ૪ કલાકની જહેમત બાદ યુવકની લાશ નદીમાંથી મળી હતી. ત્યારે નદી કિનારે યુવાકના પરિવારજનો સાથે શિહોલીના લોકોમાં અરેરાટી વ્યાપી જતા વાતાવરણ શોકમય બન્યું હતું. અકસ્માત બાદ બ્રિજની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.

અકસમાત અંગે ચિલોડા પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.બ્રિજ પર સમારકામ ચાલતુ હોવા છતાં સલામતી માટે કોઈ પ્રકારના બેરીકેડ મુકવામાં આવ્યા ન હોવાથી યુવાનનો ભોગ લેવાયો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાતા રિક્ષા નદીમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.