Western Times News

Gujarati News

યુવકે ટપાલ મોકલીને ટ્રિપલ તલાક આપ્યા: પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પતિએ કોઈપણ કાયદેસરની પ્રક્રિયા વગર માત્ર પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાક મોકલી આપીને સંબંધોનો અંત કર્યો હતો

અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક જમાલપુર વિસ્તારમાં રહેતી એક ૨૮ વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. વર્ષ ૨૦૧૩માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિએ કોઈપણ કાયદેસરની પ્રક્રિયા વગર માત્ર પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાક મોકલી આપીને સંબંધોનો અંત કર્યો હતો. આ મામલે પીડિતાએ હિંમત દાખવીને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ કરી છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નજીવનના શરૂઆતના ગાળા બાદ સાસુ અને નણંદ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પરિણીતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેની તબિયતની દરકાર રાખવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવી હતી અને બાળકીના જન્મ બાદ પણ સાસરી પક્ષના કોઈ સભ્યો તેને જોવા સુદ્ધાં આવ્યા નહોતા.

વર્ષ ૨૦૨૧માં સામાજિક મધ્યસ્થી દ્વારા સમાધાન કરાવીને તેને સાસરીમાં પરત મોકલવામાં આવી હતી, પરંતુ પતિએ તેની સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી દઈને સતત ઝઘડા ચાલુ રાખ્યા હતા.

આ પછી વર્ષ ૨૦૨૫માં પતિએ પત્નીની સંમતિ વગર પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાકનો પત્ર મોકલી આપ્યો. પીડિત મહિલાએ આ તલાકને અસ્વીકાર્ય ગણાવ્યા હોવા છતાં, પતિએ કાયદાનું ઉલ્લંઘન કરીને જાન્યુઆરી ૨૦૨૬માં સરખેજ રોજા ખાતે અન્ય એક યુવતી સાથે નિકાહ કરી લીધા હતા.

આ છેતરપિંડી અને અન્યાય સામે પરિણીતાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવતા, પતિને પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવવા બોલાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે મેં તલાક આપી દીધા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો,

ત્યારબાદ સંસદે ૩૦ જુલાઈ ૨૦૧૯ના રોજ કાયદો પસાર કર્યો હતો. ભારતમાં મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ (ટ્રિપલ તલાક કાયદો) દ્વારા એકસાથે ત્રણ વાર ‘તલાક’ બોલીને (તલાક-એ-બિદ્દત) લગ્ન તોડવાની પ્રથાને ગેરકાયદેસર અને દંડનીય ગુનો જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, તલાક આપનાર પતિને ૩ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે,

તેમજ આ ગુનો કોગ્નિઝેબલ ( વોરંટ વગર પોલીસ સીધી ધરપકડ કરી શકે) બને છે. જે બાદ મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપતા પહેલા પીડિત મહિલાનો પક્ષ સાંભળે છે અને બાદમાં જ તેને જામીન મળી શકે છે. આ ઉપરાંત પીડિત મહિલા પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.