Western Times News

Gujarati News

ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. અંત્યોદયથી સર્વોદયની વિભાવના સાથે તેમણે સંવેદનાત્મક સંવાદ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેઇસ બૂક પર શેર કરેલા પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ. ગરીબો માટેની નક્કર યોજનાઓનો વિચાર ન થયો, માત્ર રાજકીય રીતે જ વોટબેંક તરીકે ગરીબોનો વિચાર થયો.

‘‘મને દુઃખ છે અગાઉ કોંગ્રેસનાં શાસનમાં વડાપ્રધાન શ્રી મનમોહનસિંહે એમની સરકારે સંસદમાં ઓન રેકર્ડ એવું કહ્યું સચ્ચર સમિતિનાં રીપોર્ટ પછી કે, મારી સરકારનાં તમામ સંશાધનો ઉપર લઘુમતિઓનો અધિકાર છે’’ તેમ તેમણે કહ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગરીબોને કેન્દ્રસ્થાને રાખીને નરેન્દ્રભાઈએ સંસદમાં પહેલી વખત એમનાં પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે. ગરીબો ગરીબીરેખાની બહાર નીકળે એ માટેની નક્કર યોજનાઓનો પ્રારંભ થયો, એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

ગરીબો માટે રોટી, કપડા, મકાન એ અતિ મહત્વની બાબત છે. આઝાદીનાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હોય, ગરીબોને એક શૌચાલય પણ ન આપ્યું. જ્યારે પ્રધાનમંત્રીએ પહેલી યોજના શૌચાલયની ઉપાડી. અને આજે ગુજરાતમાં ૪૦ લાખથી વધુ શૌચાલયો બનાવી સંપૂર્ણ ગુજરાત ODF આપણે જાહેર કરી શક્યા તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

‘‘રાજીવ ગાંધી કહેતા હતા કે, હું એક રૂપિયો મોકલું છું. પીંચ્યાસી પૈસા ખવાઈ જાય છે. શ્રી નરેન્દ્રભાઇએ જનધનની યોજના મારફત ગરીબોનાં એકાઉન્ટ બેંકમાં ખોલાવ્યા, સરકારી સહાયતા સીધી બેંકમાં ખાતામાં ડીબીટીથી પહોંચે ડાયરેક્ટ બેંક ટ્રાન્જેકશન એવી વ્યવસ્થા કરી. વચ્ચેથી દલાલો, વચેટિયાઓ નીકળી ગયા’’ એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ઉજ્જ્વલા યોજના કે જેમાં ગરીબ બહેનોની ચિંતા કરવામાં આવી છે. આંખમાં ધુમાડા ન જાય.. ફેફસામાં ધુમાડા ન જાય.. ગુજરાતમાં ઓછામાં ઓછા ૪૦ લાખ ગરીબ પરિવારોને આપણે ગેસનાં ચૂલા આપ્યા. એવી જ રીતે ગરીબોનાં આરોગ્યની ચિંતા પણ સરકાર કરી રહી છે. કે જેમાં મા અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજના ભારત યોજના મહત્વની છે. ગરીબનાં ઘરમાં કોઈ મોટી બીમારી હોય,

બે-ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો હોય, ગરીબ દેવામાં ડૂબી જાય, કોઈ પૈસા પણ ન આપે અને સરકારે આ યોજનાઓ દ્વારા પાંચ લાખ રૂપિયા સીધા ગરીબનાં ઓપરેશનનાં ખર્ચના આપ્યા હોસ્પિટલનાં બીલ સરકાર ભરે છે. ૧૨૦૦ કરોડ રૂપિયા દર વર્ષે ગુજરાતની સરકાર ગરીબોનાં આરોગ્યની સુરક્ષા માટે આપે છે. રાજ્યની વસ્તીના લગભગ ૫૦ ટકા એટલે કે લગભગ સાડા ત્રણ કરોડ લોકોને ગુજરાતમાં આરોગ્યનું સુરક્ષા કવચ સરકારે પૂરું પાડ્યું છે. તેની સંપૂર્ણ છણાવટ મૂખ્યમંત્રીશ્રીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગરીબો માટેના આવાસો-પોતીકા ઘરની વાત કરતાં કહ્યું કે, આપણે કહીએ છે ને કે ઘરનાં ઘરનું સ્વપ્ન. દરેકને હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય.. પ્રધાનમંત્રી આવાસ યોજના.. મુખ્યમંત્રી આવાસ યોજના.. સરદાર વલ્લભભાઈ આવાસ યોજના.. દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના.. અંતર્ગત દર વર્ષે પાંચ લાખ મકાનો અને પાંચ વર્ષમાં પચ્ચીસ લાખ મકાનો બનાવીને પ્રત્યેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે એ માટે પણ સરકાર કામ કરી રહી છે. ગુજરાતમાં સ્લમ રીડેવલોપમેન્ટ સ્કીમ અમલમાં લાવ્યા છીએ. સારું ઘર હશે તો સારું જીવનધોરણ હશે.

ગરીબના છોકરાઓ સારી રીતે ભણી શકે તે માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત સેલ્ફફાઈનાન્સ કોલેજોમાં ભણતા ગરીબ બાળકોની ફી સરકાર ભરે, અને એમને અભ્યાસમાં આર્થિક રીતે તકલીફ ન પડે એની ચિંતા અમારી સરકાર કરી રહી છે. આદિવાસી હોય.. અનુસૂચિત જાતિનાં હોય.. ગામડાનો ગરીબ માણસ હોય.. શહેરમાં ભણવા આવવું હોય પણ રહેવું ક્યાં? તો રહેવા માટે સમરસ હોસ્ટેલ ઉભી કરી. અને હજારો વિદ્યાર્થીઓને રહેવાની સસ્તા ભાવે વ્યવસ્થા કરી રહ્યાં છીએ એમ તેમણે જણાવ્યું હતું.

ગરીબ છોકરાને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પૈસા સરકાર આપી રહી છે. યુનિવર્સીટીમાં પ્રથમ વર્ષમાં આવનાર તમામ છોકરાઓને પંદર હજાર રૂપિયાવાળા ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયામાં આપીએ છીએ. જેથી યુવાન સાધનનાં અભાવે આજની કોમ્પિટિશનમાં અટકી ન જાય એટલે એના હાથમાં ટેબ્લેટ રાજ્ય સરકાર આપી રહી છે એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

કામદારો માટે અલગ-અલગ યોજનાઓ બનાવી છે. બાંધકામ શ્રમિકો હશે કે પછી અનઓર્ગેનાઈઝ સેકટરના શ્રમિકો હશે યુવીન કાર્ડ આપ્યા. ધનવંતરી આરોગ્ય યોજનામાં એમની ચિંતા કરી અને સાથેસાથે અન્નપૂર્ણા યોજનામા દસ રૂપિયામાં ભોજન.. ગરમ ભોજન.. રોટલી દાળ ભાત શાક મળે એવી વ્યવસ્થા પણ રાજ્યની સરકારે કરી છે. એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ દરિદ્રનારાયણની સેવાના ઉત્તમ માધ્યમ ગરીબ કલ્યાણ મેળાા અંગે કહ્યું કે, ગરીબ લોકો સ્વાવલંબી બને એટલા માટે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની સહાયતા છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ જાતનાં વચેટિયા વગર એક મંચ પરથી દરેક લોકોને આ સહાયતા ચૂકવીને પોતેપોતાની રોજીરોટી તો પ્રાપ્ત કરે પણ બીજાને પણ એમાં કામ આપે એ પ્રકારનાં સાધનોનું વિતરણ કરીને ગરીબ આગળ વધે, બે પાંદડે થાય, સમૃદ્ધ બને એ માટે સરકાર આગળ વધી રહી છે.

હળપતિ સમાજનાં લોકો માટે હમણાં કાર્યક્રમ થયો અને એક મંચ પરથી હળપતિ સમાજનાં લોકોને હજારો-કરોડો રૂપિયાની ત્યાંને ત્યાંથી સહાયતા વિતરણ કરવામાં આવ્યું, આવાસો આપવામાં આવ્યા. આવા અનેક કલ્યાણ કામો સરકાર કરી રહી એમ તેમણે ઉમેર્યુ હતું. કોઇકને આવકનો દાખલો જોતો હોય તો કોઇને જ્ઞાતિનો દાખલો જોતો હોય કોઇકને સાતબારમાં નામ ચડાવવાનું હોય તો કોઇને આરટીઓમાં લર્નિંગ લાઈસેન્સ જોતું હોય આવી ૫૭ જેટલી સેવાઓ અત્યાર સુધીમાં ૮૮૦૦ સેવાસેતુની ટિમ અલગ-અલગ જગ્યાએ ફરીને સરકાર આખી એટલે કે અધિકારીઓ બધા ગામડે જાય એક દિવસમાં બધી અરજીઓ ત્યાંને ત્યાં નિકાલ થાય બે કરોડથી વધુ અરજીઓને આ સરકારે લોકોએ નિકાલ કર્યો છે તેની વિગતો તેમણે આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કુંવરબાઈનું મામેરું.. એક ગરીબની દીકરીનાં લગ્નમાં સરકાર મામેરું કરે.. સરકાર સહાયતા આપે.. અને એના લગ્ન ધામધૂમથી ઉજવાય. એ માટે પણ સરકાર ચિંતા કરે છે. જાનમાં બસ લઈ જવાના પૈસા ન હોય.. જૂના ટ્રક જેવા વાહનમાં એકસીડન્ટ થાય.. ભાવનગરમાં ચાલીસ લોકો એક સાથે મૃત્યુ પામ્યા.. અને ત્યારે મારી સરકારે નક્કી કર્યું કે ગરીબોને લગ્નમાં જાનમાં માટે એસ.ટી. બસ પંદરસો રૂપિયાનાં ભાડાથી સરકાર આપશે.

ગરીબની ઘરે દીકરી જન્મી હોય તો એ દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે એક લાખ રૂપિયા મળે એવી ‘‘વ્હાલી દીકરી’’ની યોજનાઓ સરકાર કરી રહી છે. આપણે બધાનો વિચાર કરીને ઘણી બધી યોજનાઓ બનાવી છે. વાસ્તવમાં મારી સરકાર ગરીબોની સરકાર છે. સરકારની યોજનાઓ નક્કર યોજનાઓ બને જેમાં પાયાની વસ્તુઓ તેમને પ્રાપ્ત થાય અને માણસ પોતે ખરા અર્થમાં સુખી બને, સમૃદ્ધ સંપન્ન બને એવો અમારો પ્રયત્ન છે, એમ દ્રઢતાપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.