Western Times News

Gujarati News

નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ નવસારીમાં સૌપ્રથમ મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્થાપિત કરશે

મુંબઈ, 1જૂન, 2019: લાર્સન એન્ડ ટૂબ્રોનાં ગ્રૂપ ચેરમેન શ્રી એ એમ નાયક દ્વારા સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમટી) ગુજરાતનાં નવસારીમાં એક મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્થાપિત કરશે. આ મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલનું ઓપરેશન અને મેનેજમેન્ટ અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ કરશે. આ સમજૂતી પર શ્રી નાઇક અને અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપનાં ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ હસ્તાક્ષર કર્યા હતાં. બે વર્ષની કુમળી વયેકેન્સરનાં કારણે મૃત્યુ પામેલી પોતાની પૌત્રી નિરાલીની યાદમાં શ્રી નાયક અને તેમનાં પરિવારે એનએમએમટીની સ્થાપના ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સુલભતાથી વંચિત જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરી હતી.

શ્રી નાયક દ્વારા સ્થાપિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એનએમએમટી તબીબી સારસંભાળમાં સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરે છે, જેણે આ મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ માટે જમીનની માલિકી ધરાવે છે. એનએમએમટી માળખાનું નિર્માણ કરશે, મેડિકલ ઉપકરણો સ્થાપિત કરશે, તથા હોસ્પિટલનું સંચાલન ગુણવત્તાયુક્ત ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરશે. અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ હોસ્પિટલને એની તબીબી કુશળતા પૂરી પાડશે અને ઓપરેશનમાં સાથસહકાર આપશે તેમજ હોસ્પિટલનું મેન્ટેનન્સ કરશે.

આ પ્રસંગે શ્રી એ એમ નાયકકહ્યું હતું કે, “આપણે જે સમાજમાં રહીએ છે, એનાં ઘણાં ઋણી છે,અને લોકોને પરત કરવા બંધાયેલા છે. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ ગ્રામીણ અને વંચિત સામાજિક જૂથોને શ્રેષ્ઠ સેકન્ડરી અને ટર્શરી મેડિકલ કેર સુવિધાઓ પ્રદાન કરવાનો આ એક પ્રયાસ છે. મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલની સ્થાપના તમામને વાજબી ખર્ચે હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં આ અભિયાનમાં પ્રતિષ્ઠિત હેલ્થકેર ગ્રૂપ અપોલો હોસ્પિટલ્સ સામેલ થયું છે, જેની અમને ખુશી છે.”

અપોલો હોસ્પિટલ્સનાં ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કેઃ “અમે 35 વર્ષ અગાઉ શરૂઆત કરી હતી. એ સમયથી અપોલો હોસ્પિટલ્સનું અભિયાન દરેક વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સ્તરની હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાનું છે. અમારી સ્થાપનાથી અત્યાર સુધી અમે અમારાં અભિયાનને પાર પાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ દિશામાં વિવિધ પગલાંઓ લીધા છે. અપોલો હોસ્પિટલ્સને નવસારીમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્થાપિત કરવાનાં શ્રી નાયકનાં ઉમદા પ્રયાસમાં સાથસહકાર આપવાનો ગર્વ છે. આ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતનાં લોકોને રોગનું વહેલાસર નિદાન અને સમયસર સારવારની સુવિધા મળશે, જેથી કિંમતી જીવન બચશે.”

એનએમએમટીએ ગુજરાતનાં નવસારીમાં સિસોદરા (ગણેશ)માં ‘એ એમ નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સ’ વિકસાવ્યું છે. આ કોમ્પ્લેક્સ 8 એકરમાં પથરાયેલું છે, જેમાં કેન્સરની હોસ્પિટલનું નિર્માણ ચાલુ છે, જે મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ અને તબીબી સારસંભાળની અન્ય સુવિધાઓ પૂરી પાડશે. કોમ્પ્લેક્સમાં નિર્માણાધિન નિરાલી કેન્સર હોસ્પિટલનું ઓપરેશન અને મેનેજમેન્ટ ટાટા ટ્રસ્ટ્સ કરશે. શ્રી નાયક દક્ષિણ ગુજરાતનાં ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યાં છે.

એનએમએમટી સુરતમાં ‘નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર’, પવઈમાં મલ્ટિડિસિપ્લિનરી હોસ્પિટલનું સંચાલન કરે છે તથા દક્ષિણ ગુજરાતમાં ખારેલમાં એક હોસ્પિટલમાં અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ પૂરી પાડે છે. એનએમએમટીની સાથે શ્રી નાયક ​એ,‘નાયક ચેરિટેબલ ટ્રસ્ટ’ (એનસીટી)ની પણ સ્થાપના કરી છે, જે સમાજનાં વંચિત સમુદાયનાં લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત સરકારે શ્રી એ એમ નાયકનું પદ્મવિભૂષણથીસન્માન કર્યું છે, અને તેઓ ‘નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં’ ચેરમેન પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.