Western Times News

Gujarati News

રાજયમાં વધુ ત્રણ મેડિકલ કોલેજોને મંજૂરી

files Photo

અમદાવાદ: રાજ્ય સરકારે નાગરિકોને મેડિકલ સુવિધા પૂરતી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે નવી મેડિકલ કોલેજા ઉભી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં નવસારી, પોરબંદર અને નર્મદાના રાજપીપળા ખાતે નવી મેડિકલ કોલેજ બનાવવાની આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે નવી મેડિકલ કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. જે બાદ કેન્દ્ર સરકારે ત્વરિત નિર્ણય કરતા ત્રણ મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. જેમાં રાજપીપળાની કોલેજ રૂ. ૩૨૫ કરોડમાં બનશે. જે માટે ભારત સરકાર ૧૯૫ કરોડ અને ગુજરાત સરકારે ૧૩૦ કરોડ રૂપિયા આપશે. નવસારી અને પોરબંદરની નવી મેડિકલ કોલેજ માટે ૩૨૫ કરોડનો ખર્ચ થશે.


આ ઉપરાંત રાજ્યની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે પણ સરકારે નિર્ણય કર્યો છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. જેને પગલે ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. આ સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં વધુ ત્રણ મોટા શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. જેના માટે કેન્દ્ર સરકારે ૧૯૫ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ નવી ત્રણ મેડિકલ કોલેજો માટે સરકારે જમીન પણ ફાળવી છે.

નર્મદાના રાજપીપળા, પોરબંદર અને નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. આ સિવાય મેડિકલ કોલેજ, હોસ્ટેલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે આગામી વર્ષે જ નવી મેડિકલ કોલેજ ખોલવાના પ્રયાસો કરાશે. કેન્દ્ર સરકારે અપગ્રેડેશન માટે પણ રૂપિયા મંજૂર કર્યા હોવાની વાત તેમણે કરી હતી અને જણાવ્યું હતું કે, રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં નવા સુધારા વધારા પણ કરવામાં આવશે. એટલે કે સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે તેને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સિવાય શાહપુરમાં એક સરકારી ચિલ્ડ્રન હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ કોલેજો આગામી વર્ષે જ ખુલી જાય તેવા સરકારના પ્રયાસો રહેશે કે જેથી નાગરિકો અને વિદ્યાર્થીઓને તેનો મહત્તમ લાભ મળી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.