Western Times News

Gujarati News

‘દુનિયા આજે ભરોસાની અછતનો સામનો કરી રહી છે’ : PM મોદી

G-7ના મંચ પરથી પીએમ મોદીનું મોટું નિવેદન

જી-૭ સમિટની સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય પછી મુલાકાત થઈ હતી

એવિયાં, ફ્રાન્સના એવિયાં શહેરમાં યોજાયેલા G-7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ આઉટરીચ સેશનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આજે પરસ્પર ભરોસો એ સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે દુનિયામાં સંસાધનોની કોઈ અછત નથી, પરંતુ માત્ર ‘ભરોસાની અછત’ છે.’ ખાસ વાત એ હતી કે, જ્યારે પીએમ મોદી વૈશ્વિક મંચ પરથી આ વાત કહી રહ્યા હતા, ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બરાબર બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ G-7 (ગ્રુપ ઓફ ૭)ની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હવે દુનિયાએ ‘દાતા અને દાન લેનાર’ ના જૂના દ્રષ્ટિકોણથી બહાર નીકળવું પડશે, અને એકતા તથા સમાનતા પર આધારિત ભાગીદારી તરફ આગળ વધવું પડશે. ‘ગ્લોબલ સાઉથ’ ને વિશ્વ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેને માત્ર આર્થિક મદદની જરૂર નથી, પરંતુ સમાન ભાગીદારીની જરૂર છે. ભાગીદારીનો સાચો અર્થ પરસ્પર સન્માન હોવો જોઈએ, કોઈના પરની નિર્ભરતા નહીં.’G-7 સમિટની સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય પછી મુલાકાત થઈ હતી. બંને નેતાઓએ ખૂબ જ ગરમજોશીથી હાથ મિલાવ્યા હતા, અને લગભગ ૫૦ સેકન્ડ સુધી તેમની વચ્ચે વાતચીત થઈ હતી.

આ ટૂંકી મુલાકાત બાદ બંને નેતાઓ આગળના સત્ર માટે હોલમાં એકબીજાની બાજુમાં જ બેઠા હતા.વડાપ્રધાને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ભાગીદારીને લઈને ભારતનો દ્રષ્ટિકોણ હંમેશા ‘વસુધૈવ કુટુંબકમ‘ એટલે કે ‘આખી દુનિયા એક પરિવાર છે’ ની સદીઓ જૂની વિચારધારા પર આધારિત રહ્યો છે. ભારતે હંમેશા ‘હ્યુમેનિટી ફર્સ્ટ’ (માનવતા સૌથી પહેલા)ના અભિગમને અપનાવ્યો છે, જે ભારતના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ, મિશન લાઈફ અને ‘એક પેડ મા કે નામ‘ જેવા વૈશ્વિક અભિયાનોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.‘નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાને ફરી મજબૂત કરવી’ વિષય પર યોજાયેલા આ ખાસ સત્રમાં ળાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સહિત વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.