Western Times News

Gujarati News

વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં  યોજાઇ

વલસાડ જિલ્લા આયોજન મંડળના સને ર૦૨૦/ર૧ના વિવિધ જોગવાઇઓ હેઠળના કુલ રૂા. ૧૧૭૪ લાખના ૬૨૧ કામોને મંજુરીની મ્‍હોર :

માહિતી બ્‍યુરો  વલસાડઃ તા. ૨૫: પ્રજાકલ્‍યાણના વિકાસ કામોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પૂર્ણ સંવેદના સાથે કાર્ય પૂર્ણ કરવાની હિમાયત કરતા વલસાડના પ્રભારી મંત્રી અને આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણીએ આયોજન મંડળના પત્રકોમાં પ્રગતિ હેઠળના કામોની નોંધની સામે, હવેથી કામ પૂર્ણ થયાની નોંધ થાય તે આવશ્‍યક છે તેમ જણાવ્‍યું હતું. વલસાડ જિલ્લા આયોજન મંડળના સને ર૦૨૦/ર૧ના વિવિધ જોગવાઇઓ હેઠળના કુલ રૂા. ૧૧૭૪ લાખના ૬૨૧  કામોને મંજુરી આપવામાં આવી હતી

ઉલ્લેખનિય છે કે, વલસાડ જિલ્લા આયોજન મંડળ દ્વારા સને ર૦૨૦/ર૧ના વર્ષ માટે ૧પ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ કુલ રૂા.૭પર.૦૦ લાખનું આયોજન કરાયું છે. જે મુજબ ધરમપુર અને  કપરાડા તાલુકા માટે ૧૪૭.પ૦ લાખ, પારડી માટે રૂા.૧૧૭.પ૦ લાખ, ઉમરગામ માટે રૂા.૧રર.પ૦ લાખ, વાપી માટે રૂા.૯૭.પ૦ લાખ અને વલસાડ તાલુકા માટે રૂા.૧૧૭.પ૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત પ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ હેઠળ વલસાડ જિલ્લામાં સને ર૦૨૦/ર૧ માટે કુલ રૂા.રપ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ૧પ ટકા વિવેકાધિન અને પ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ ઉપરાંત ૧પ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાઓ વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર માટે રપ-રપ લાખ મળી કુલ રૂા.૧રપ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે.

દરમિયાન સંસદ સભ્‍યના અનુદાન હેઠળના સને ર૦૧૪/૧૫ થી સને ર૦૧૮/૧૯નાં વર્ષ દરમિયાન હાથ ધરાયેલા કામોની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાથે વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન મંડળ હેઠળના કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ખાસ પ્‍લાન (બક્ષીપંચ) હેઠળના સને ર૦૨૦/ર૧ના કામોની પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્‍ય સર્વે કનુભાઇ દેસાઇ,ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જુદી જુદી સમિતિઓના અધ્‍યક્ષશ્રીઓ, પદાધિકારીઓ વિગેરેએ ઉપસ્‍થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન કલેક્‍ટર  સી.આર.ખરસાણે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઝાલા, જિલ્લા આયોજન અધિકારી શ્રી એ.યુ.પંચોલી, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્‍થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.