Western Times News

Gujarati News

આર્થિક પડકારો વચ્ચે આગવી ઓળખ ઉભી કરતા દેનાવાડ ગામના મહિલા ખેડૂત લીલાબેનની કહાની સમાજ માટે પ્રેરક

નારી તું નારાયણી અને આજના યુગમાં અનેક પડકારો ઝીલતી નારી શક્તિની વાત જાણીએ. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણીને સમર્પિત મહીલા સશક્તિકરણની દિશામાં સામાજિક, આર્થિક પડકારો વચ્ચે આગવી ઓળખ ઉભી કરતી મહિલા ખેડૂતોની કહાની સમાજમાં પ્રેરક બને છે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. મહીસાગર જિલ્લાના દેનાવાડ ગામના મહિલા ખેડૂત  લીલાબેન પટેલના પતિ ભીખાભાઇ પટેલ ૧૫ વર્ષ પહેલા અણધારી રીતે જીવન લીલા સંકેલી લેતા પરીવારનો આધાર ગુમાવતા વિધવા લીલાબેનનો સુખનો સંસાર વેરણ છેરણ થઇ ગયો. એક હેક્ટર જેટલી જમીનમાં ખેતી અને પશુપાલન કરીને સંઘર્ષમય જીવન ગુજરાન કરતા હતા તેવા સમયે ખેતીવાડી વિભાગની એ.જી.આર-૫૦ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદીમાં સહાય મેળવી પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે.

રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી અદ્યતન કૃષિ વિષયક અને ખેત સામગ્રી વિષે માહિતી આજના ડિજીટલ યુગમાં આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે. ખેડૂતો આ પોર્ટેલની મદદથી પારદર્શક અને સરળતાથી સરકારની વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓનો લાભ મેળવી પોતાની આવકમાં વૃધ્ધિ કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં શામણા સેજાના ગ્રામ સેવક વિક્રમભાઈ પોતાના વિસ્તારના ખેડૂતોને સરકારના કૃષિ અને સહકાર વિભાગની યોજનાઓની માહિતી ગામેગામ જઇ આપી આઇ -ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડે છે. દેનાવાડ ગામના ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિધવા મહિલા ખેડૂત લીલાબેનના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોતી.  વિક્રમભાઈએ સરકારની ખેતીવાડી વિભાગની એજીઆર-૫૦ ટ્રેકટર સહાય યોજના વિષે તેમને સમજાવી ઓનલાઈન આઇ -ખેડૂત પોર્ટલ પર અરજી કરાવી.

તેમની અરજી મંજૂર થતાં તેમને ટ્રેકટર ખરીદીમાં સરકારની ૪૫૦૦૦/- રૂપિયાની સહાય મળી. તેમનો પુત્ર નવનીતભાઈ માતાની આ સંઘર્ષ યાત્રામાં સહભાગી થઇ આ ટ્રેકટરની મદદથી પોતાની ખેતીના ખર્ચ અને સમયમાં ઘટાડો કરી લીલાબેનના પરિવારની આવકમાં ઉત્તરોત્તર વધારો કરવા મદદરૂપ થાય છે. પોતાની તેમજ અન્ય ખેડૂતોની ખેડ તેમજ થ્રેસરના સંચાલનથી  ટ્રેકટર તેમના પરિવારમાં આવકનું મહત્વનું  સાધન બન્યું છે.

લીલાબેન ખેડૂતો માટે સહાયરૂપ યોજના અંગે સરકારનો આભાર વ્યકત કરતાં કહે છે કે એક વિધવા મહિલા માટે કપરી આર્થિક સ્થિતિમાં જીવન જીવવું મુશ્કેલ હોય છે તેવામાં આવી સરકારની ખેડૂતલક્ષી યોજનાની સહાય સહારારૂપ બની છે.

ગ્રામસેવક વિક્રમભાઈ જણાવે છે કે, સરકારના કૃષિ અને સહકાર વિભાગની ખેડૂત માટે પ્રોત્સાહક યોજનાઓ અંગે ખેડૂતોમાં જાણકારી વધતાં પ્રતિવર્ષ આઇ -ખેડૂત પોર્ટલ પર અરજી કરનારની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવી રાજ્યના કૃષિ વિકાસદરની વૃધ્ધિમાં પોતાનો સહકાર આપી સરકારના કૃષિ પ્રોત્સાહક પગલાંની પ્રસંશા કરી રહ્યા છે. જેના થકી વડાપ્રધાનશ્રીના વર્ષ-૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન સાકાર થશે તેમાં કોઇ બે મત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.