Western Times News

Gujarati News

કોંગ્રેસની હાલત બધે મધ્યપ્રદેશ જેવી છે : રૂપાણી

અમદાવાદ: રાજ્યસભાની આગામી ચૂંટણીને પગલે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફરી એકવાર કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસની હાલત બધે મધ્યપ્રદેશ જેવી છે ખરેખર તો તેની સ્થિત  દયનીય છે. રાજયસભાની આગામી ચૂંટણીમાં અમને બધા ધારાસભ્યોનો સાથ મળશે અને ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા બનશે. મુખ્યમંત્રીના આ સૂચક નિવેદનને લઇ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને કોંગ્રેસની છાવણીમાં સીએમના આ નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આજે ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ભાજપના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે રહ્યાં હતા. આ દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. કોંગ્રેસને જીતવા મામલે આશંકા છે, તેમને તેમના જ સભ્યો ઉપર શંકા દેખાઈ રહી છે અને એટલે જ ધારાસભ્યોને સાચવવા માટે તેમને કેમ્પો કરવા પડે છે અને વિવિધ હોટલોમાં લઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે, કોંગ્રેસને તેમના જ સભ્યો ઉપર વિશ્વાસ નથી.

તેમણે આ તબક્કે રાજકીય નિવેદન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ તમામ જગ્યાએ આવી જ છે અને એટલે જ મધ્યપ્રદેશની ઘટનાએ માત્ર ઝાંખી સમાન છે. રાજ્યસભાની ચૂંટણીમાં અમને તમામ ધારાસભ્યોનો સાથ મળશે એવું રાજકીય સૂચક નિવેદન મુખ્યમંત્રીએ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોનો વિજય થશે, કારણ કે આ કસાયેલા ઉમેદવારો છે. એટલું જ નહીં પાર્ટીના સિનિયર કાર્યકરો પણ રહ્યા છે, ત્યારે તેમનું પક્ષમાં યોગદાન પણ રહ્યું છે. તેઓ નેતૃત્વ કરી શકે તેવા સક્ષમ છે. ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, અમીન યશસ્વી રીતે જીત હાંસલ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.