Western Times News

Gujarati News

દાહોદના ૩૯ નવલોહિયા યુવાનો હવે જોશો- ઝૂનુન સાથે કરશે દેશની સરહદોનું રક્ષણ

આલેખન : મહેન્દ્ર પરમાર દાહોદ જિલ્લાના ૩૯ નવયુવાનો હિંમતનગર ખાતે યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં અંતિમ પસંદગી પામી દેશસેવાના મહતકાર્યમાં જોડાયા છે. દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ માટે જિલ્લામાં વ્યાપક જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના પરીણામે ૨૨૩૦ યુવાનોએ આ લશ્કરી ભરતી મેળામાં ભાગ લીધો હતો અને ૩૯ યુવાનોની અંતિમ પસંદગી થઇ છે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને રોજગારી મળે તે માટે વ્યક્તિગત માર્ગદર્શન, ગ્રુપ ડિસ્કશન, સંરક્ષણ તાલીમ વર્ગ, સ્વરોજગાર શિબિર અને કારકિર્દી માર્ગદર્શન જેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષે યોજાયેલા રાજયકક્ષાના લશ્કરી ભરતીમેળામાં દાહોદ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે તે માટે રોજગાર કચેરી દ્વારા બહોળા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. સાથે આ માટે ૩૦ દિવસના ૨ નિવાસી તાલીમ કાર્યક્રમ પણ જેસાવાડા ખાતે યોજાયા હતા. જેનો ૬૦ યુવાનોએ લાભ લીધો હતો.

લશ્કરી ભરતી મેળામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને જિલ્લાના ૨૨૩૦ યુવાનો સૈન્યની આકરી શારીરિક કસોટી આપવા માટે આવ્યા હતા. જે પૈકી ૧૬૯ યુવાનો શારીરિક કસોટીમાં પાસ થયા હતા જેમાથી મેડીકલ ટેસ્ટમાં ૪૯ ઉમેદવારો પાસ થયા હતા. ત્યાર બાદ યોજાયેલી લેખીત પરીક્ષામાં ૩૯ યુવાનો પાસ થઇને અંતિમ પસંદગી મેળવી હતી. હાલમાં આ યુવાનોની સૈન્યમાં ૬ મહિના માટેની ટ્રેનીંગ ચાલી રહી છે.       આ ઉપરાંત સુરતમાં યોજાનાર એર ફોર્સમાં ભરતી માટે રોજગાર કચેરીએ જિલ્લાની વિવિધ સાયન્સ કોલેજોમાં સેમીનાર યોજયા હતા. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે લાયકાત ૧૮ થી ૨૧ ની વય ધરાવતા વિજ્ઞાન પ્રવાહના ૫૦ ટકા સાથે પાસ યુવાનો જ ભાગ લઇ શકે તેમ હતું. જેમાં દાહોદના ૨૮ યુવાનોએ ભાગ લીધો છે.

લશ્કરી ભરતી સિવાયની કામગીરી જોઇએ તો જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓક્ટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૪ ભરતી મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં ૪૯ નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૯૮૬ ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ૩૯ ગ્રુપ ડિસ્કશન યોજવામાં આવ્યા હતા.

શાળા કોલેજોમાં ૧૫ કારકિર્દીલક્ષી યોજાયેલા વાર્તાલાપનો ૩૨૬૨ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જયારે ૧૨૯૮ યુવાનોએ ૫ સ્વરોજગાર શિબિરનો લાભ લીધો હતો. ઉપરાંત કચેરી દ્વારા યોજવામાં આવેલા ૭ ઓવરસીસ સેમીનારનો ૧૩૫૨ યુવાનોએ લાભ લીધો હતો. રોજગાર કચેરીની મુલાકાત લેતા ઉમેદવારોને વ્યક્તિગત માર્ગદર્શન પણ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. જિલ્લાની ૬૮ શાળાઓ, ૪ કોલેજ અને ૧ આઇટીઆઇમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે કેરિયર કોર્નર ચલાવવામાં આવે છે જેમાં દર મહિને ઓછામાં ઓછા ૪ પિરીયડ લેવામાં આવે છે. આમ જિલ્લા રોજગાર કચેરી, દાહોદ જિલ્લાના યુવાનો માટે કારકિર્દીની નવી તકો, યોગ્ય માર્ગદર્શન અને રોજગારની નવી ક્ષિતિજો ખોલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.