Western Times News

Gujarati News

યસ બેક કેસમાં અનિલ અંબાણીને ઈડીનું સમન્સ

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને યસ બેન્ક કેસમાં સમન્સ જારી કર્યું છે. ઇડીએ રિલાયન્સ ગ્રુપનાં અધ્યક્ષ અનિલ અંબાણીને સમન્સ જારી કરીને તેઓને હાજર થવા નિર્દેશ આપ્યો છે. ઇડી દ્વારા તેમને ૧૬ માર્ચ સોમવારે હાજર રહેવા સમન્સ બહાર પાડ્‌યું હતું, પરંતુ તે આજે હાજર નહીં થાય. આ સંદર્ભે ઇડીને જાણ કરવામાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે.
ઇડીએ યસ બેંકનાં સ્થાપક અને પૂર્વ સીઇઓ રાણા કપૂર સાથે અનિલ અંબાણીને સંબંધ વિશે પૂછપરછ માટે બોલાવ્યા હતા. યસ બેંક કટોકટી મામલામાં રાણા કપૂર પર મની લોન્ડરિંગનાં આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, અનિલ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ગ્રૂપે યસ બેંક પાસેથી મોટી લોન લીધી છે. રિલાયન્સ ગ્રૂપની નવ કંપનીઓએ યસ બેંક પાસેથી ૧૨,૮૦૦ કરોડ રૂપિયાની લોન લીધી છે.

કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે યસ બેંકનું દેવું તેમની પાસે સંપૂર્ણ સલામત છે અને તેઓ બેંકનાં તમામ નાણાં ચૂકવી દેશે. રિલાયન્સ ગ્રૂપે કહ્યું છે કે, તે પોતાની સંપત્તિ વેચીને યસ બેંકનું દેવું ચુકવવા માટે પ્રતિબદ્ધ છે. ઇડીએ કહ્યું છે કે, એજન્સી યસ બેંકનાં તમામ મોટા લેણદારોની પૂછપરછ કરશે, જેમણે રાણા કપૂરનાં કાર્યકાળ દરમિયાન લોન લીધી હતી. રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે, યસ બેંકનાં પૂર્વ સીઈઓ રાણા કપૂર, તેમની પત્ની અથવા પુત્રીઓ અથવા તેના પરિવાર દ્વારા સંચાલિત કંપનીઓ સાથે તેનો કોઈ સંપર્ક નથી. આપને જણાવી દઈએ કે, દેશનાં કુલ ૧૦ મોટા બિઝનેસ હાઉસની ૪૪ કંપનીઓએ યસ બેંકનું ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું બાકી છે, જે બેંકને આર્થિક સંકટમાં મૂકવાનું સૌથી મોટું કારણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.