Western Times News

Gujarati News

કોરોનાના ચેપની સંભવિત સ્થિતિ સામે તૈયારીઓની ચકાસણીના ભાગરૂપે સિવિલ ખાતે મોકડ્રીલ યોજાઈ  

 સિવિલ સહિતની હોસ્પિટલોની મુલાકાત લઈ  તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

 ગોધરા,જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે ગોધરાની સિવિલ સહિતની હોસ્પિટલોની મુલાકાત લઈ કોરોના વાયરસના ચેપના સંભવિત કેસ સામે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે આ હોસ્પિટલો ખાતે ઉભા કરાયેલ આઈસોલેશન વોર્ડ તેમજ સારવાર માટેના સાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.  આ સાથે જ ગોધરા સિવિલ ખાતે કોરોના ની સારવારના આગોતરા આયોજનના ભાગરૂપે એક મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી.

મોકડ્રીલના નિરીક્ષણ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટરશ્રીએ તંત્રની તૈયારીઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે કોરોના વાયરસથી ઉદભવેલી સ્થિતિના સંદર્ભે રાજ્ય સરકારે જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ચેપની સંભવિત સ્થિતિને પહોંચી વળવા બે ખાનગી હોસ્પિટલ તેમજ ગોધરા સિવિલ સહિતની સરકારી હોસ્પિટલમાં મળીને કુલ 18 જેટલા આઈસોલેશન બેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ દર્દીઓના સંસર્ગથી ચેપ ન ફેલાય તે માટે 58 જેટલા ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈએમએના સહયોગથી જિલ્લા પંચાયત ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર અને બચાવ અંગે ડોક્ટર્સ માટે ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કોરોના સામે બચાવ અને સારવાર માટે ઉપયોગમાં લેવાતા માસ્ક, સેનિટાઈજર્સ સહિતના આરોગ્ય ઉત્પાદનોનો સંગ્રહ અને વધુ પડતા ભાવ લેવાના પ્રશ્ન અંગે જિલ્લાના ડ્રગીસ્ટ અને કેમિસ્ટો સાથે બેઠક કરી સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં માસ્ક સહિતના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મોકડ્રીલનો હેતુ ચેપની સ્થિતિમાં દર્દીને અન્ય લોકોને ચેપ ન લાગે તે રીતે શક્ય તેટલી વધુ ઝડપથી સારવાર પૂરી પાડવાની તૈયારીઓની ચકાસણી કરવાનો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત કોરોના સામે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે કરાઈ રહેલી કામગીરીની વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે તેમજ ચેપ અંગે લોકોમાં જાગરૂકતા આવે તે દિશામાં પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે  નાગરિકોને બચાવના ભાગરૂપે થોડા દિવસો સુધી વધુ ભીડભાડવાળા સ્થળોએ ન જવા, બહારના સંપર્ક બાદ સારી રીતે હાથ ધોવા સહિતના રક્ષણાત્મક પગલાઓને અનુસરવા તેમજ કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો 1075 (કોરોના હેલ્પલાઈન) કે સિવિલ હોસ્પિટલના કંટ્રોલરૂમનો તાત્કાલિક સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું. નાગરિકોએ ડરવાની નહીં પરંતુ માત્ર સાવધાની રાખવાની જરૂર છે તેમ જણાવતા શ્રી અરોરાએ  પરિસ્થિતને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.