Western Times News

Gujarati News

વિરપુરથી બોર્ડની લખેલી ઉત્તરવહીઓ રસ્તા પરથી મળી

(પ્રતિનિધિ) અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા હાલમાં ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહયા હોવાની વિગતો બહાર આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

રાજકોટ નજીક વિરપુર પાસેથી આજે સવારે ધો.૧૦ અને ધો.૧રની વિદ્યાર્થીઓએ લખેલી ઉતરવહીઓનો મોટો જથ્થો રસ્તા પરથી રઝળતી હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ છે. વિરપુરને પેપર ચેકીંગનું મધ્યસ્થ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે જેના પરિણામે લખેલી ઉતરવહીઓ વિરપુર લઈ જતી વખતે શિક્ષણ બોર્ડના કર્મચારીઓની બેદરકારીથી આ પરિસ્થિતિ  સર્જાઈ હોવાનું મનાઈ રહયું છે. આ અંગે ભારે ઉહાપોહ થતાં આખરે બોર્ડના ચેરમેનોએ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ઉમંગ હોય છે, આશા હોય છે સફળ થવાની, બોર્ડમાં રેંક મેળવવાની પરંતુ ઘણી વખત અકસ્માતે કે બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ધૂળમાં રંગદોળાઈ જતું હોય છે આવી જ એક ઘટના બનતા બોર્ડની પરિક્ષામાં બેઠેલા હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

બોર્ડની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આ વર્ષે વીરપુરને ઉત્તરવહીની ચેકીંગ કરવા માટે કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. આ કેન્દ્રમાં મુખત્વે મહેસાણા જીલ્લાના બોર્ડ ૧૦ તથા ૧ર ની પરિક્ષામાં લખેલ ઉત્તરવહીઓને ટ્રકમાં વીરપુર મોકલવામાં આવી હતી. વીરપુર પહોંચતા પહેલા જ વીરપુર ઓવરબ્રીજ પર જ ધો.૧૦ તથા ધો.૧રની પરિક્ષાની ઉત્તરવહીઓ રસ્તા ઉપર રઝળતી પડી હતી.

રસ્તે રઝળતી આ ઉત્તરવહીઓ એક શિક્ષક કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમની નજરે પડતા તુરંત તે અંગે સત્તાવાળાઓને જાણ કરતાં તુરત જ આ ઉત્તરવહીઓ ક્યાંથી આવી કેવી રીતે છુટી પડી ? કેમ કોઈનું ધ્યાન ન ગયુ ? આવા અનેક પ્રશ્નો અત્યારે ચર્ચાને ચગડોળે ચઢયા છે. શિક્ષકના ધ્યાનમાં જા આ ઉત્તરવહીઓ ન આવી હોત તો ? જે વાહનમાં આ ઉત્તરવહીઓ લાવવામાં આવી હતી તેમાં બોર્ડ ૧૦ તથા ૧રના ધોરણના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ હોવાનું જાણવા મળે છે. હજારોની સંખ્યામાં મળી આવેલ આ ઉત્તરવહીઓ થેલામાં પેક કરી હોવાનું કહેવાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે જા થેલામાં ઉતરવહીઓ બરોબર પેક કરી હોય તો બેગ કેવી રીતે છુટી ગઈ ?

આવા અનેક પ્રશ્નોના જવાબ બોર્ડના સત્તાવાળાઓ જાતે તપાસ કરી અહેવાલ રજુ કરશે ત્યારે જ મળી શકે. ધો.૧૦ તથા ધો.૧રની ઉત્તરવહીઓ રસ્તામાં રઝળતી મળી આવતા સમાચાર મળતાં જ વિદ્યાર્થીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે ૧ર-૧ર મહિનાની મહેનત, રાતના ઉજાગરાનું શું આ પરિણામ ? વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિતાતુર બની ગયા છે અને બોર્ડની બેદરકારી સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે.

મહેસાણા જીલ્લાની ઉત્તરવહી રઝળતી મળી આવ્યાની ઘટનાથી મહેસાણા જીલ્લામાંથી બોર્ડની ૧૦ તથા ૧રની પરિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ ભારે અવઢવ અનુભવી રહ્યા છે તેમના ભાવિનું શું થશે ? તે વિચારથી જ તેઓ ભાંગી ગયા છે. બોર્ડના સત્તાવાળાઓ તપાસ કરશે, અહેવાલ તૈયાર કરશે, જવાબદારો સામે પગલા ભરશે પરંતુ જે વિદ્યાર્થીઓની ઉત્તરવહી રઝળતી મળી આવી છે તે વિદ્યાર્થીઓના ભાવિનું શું.

ધો.૧૦ તથા ૧રની ગુજરાતી વિષયની ઉત્તરવહીઓ વિરપુર બ્રીજ પાસેથી મળી આવ્યા બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બેદરકારી દાખવનારા સામે કડક હાથે કામ લેવાશે. કયા કારણસર, કેવી રીતે, તથા કોણે કરી ? આ અંગે તપાસ કરી વિગતવાર અહેવાલ તૈયાર કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે જે ઉત્તરવહીઓ મળી આવી છે તે ગુજરાતી ભાષાની હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.