Western Times News

Gujarati News

GMDC મેદાન નજીક રસ્તા પર ઓઈલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા

File

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ખાનગી ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેના પગલે રાતભર શહેરના માર્ગો ઉપર ખાનગી ભારે વાહનો ફરતા જાવા મળે છે આ વાહનોમાંથી કયારેક ઓઈલ ઢોળાતા રસ્તાઓ ઉપર અનેક અકસ્માતો સર્જાતા હોય છે.

આજે વહેલી સવારે પણ શહેરના જીએમડીસી મેદાન પાસેના રસ્તા પર રાત્રિ દરમિયાન પસાર થયેલા વાહનમાંથી ઓઈલ ઢોળાતા અનેક દ્વિચક્રીય વાહનો સ્લીપ થવા લાગ્યા હતા જેના પરિણામે ભારે હોહામચી ગઈ હતી. આ દરમિયાનમાં ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તથા પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને એક સાઈટનો રસ્તો બંધ કરી રસ્તા પર માટી નાંખવાનું શરૂ કર્યું હતું. કેટલાક વાહનચાલકોને ઈજાઓ પણ પહોંચી હતી.


આ અંગેની વિગત એવી છે કે રાજયના અમદાવાદ સહિત તમામ મોટા શહેરોમાં દિવસ દરમિયાન અકસ્માતો ન થાય તથા ટ્રાફિકજામની સ્થિતિ  ન સર્જાય તે માટે ખાનગી ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે

આ નિયમના કારણે ખાનગી લકઝરી બસો તથા ટ્રકો દિવસ દરમિયાન શહેરમાં જાવા મળતા નથી પરંતુ રાત પડતાં જ શહેરના રાજમાર્ગો ઉપર ખાનગી ભારે વાહનોની અવરજવર જાવા મળતી હોય છે.

મોટા વાહનોમાંથી ઓઈલ લીક થવાની ઘટનાઓ પણ બનતી હોય છે રસ્તા પર ઓઈલ ઢોળાવાના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે ખાસ કરીને આવા રસ્તા પરથી પસાર થતાં દ્વિચક્રીય વાહન ચાલકોની હાલત કફોડી બની જતી હોય છે. થોડા સમય પહેલા શહેરના આંબાવાડી વિસ્તારમાં આવી જ ઘટના ઘટી હતી આ દરમિયાનમાં વહેલી સવારે શહેરના જીએમડીસી મેદાન પાસેના રસ્તા પર અચાનક જ દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થવા લાગ્યા હતાં.

રાત્રિ દરમિયાન આ રસ્તા પરથી પસાર થયેલા કોઈ ભારે વાહનમાંથી ઓઈલ ઢોળાયુ હોવાના કારણે રસ્તા પર તે પ્રસરી ગયું હતું આ રસ્તા પર સવારથી જ નિત્યક્રમ મુજબ ભારે ટ્રાફિક જાવા મળતો હોય છે. આજે સવારે પણ વાહનચાલકો આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અચાનક જ સ્લીપ થવા લાગતા ભારે હોહામચી ગઈ હતી અનેક વાહન ચાલકો અટકી ગયા હતાં. દ્વિચક્રી વાહનચાલકો સ્લીપ થતાં કેટલાકને ઈજાઓ પણ પહોંચી હતી સંખ્યાબંધ વાહનો સ્લીપ થતાં નજીકમાં જ આવેલા ટ્રાફિક પોલીસ બુથ પરથી પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી જેના પગલે ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં.

સૌ પ્રથમ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક બેરીકેટ લગાડી એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓઈલ ઢોળાયેલી જગ્યા પર રેતી નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું પોલીસ અધિકારી અને ફાયરબ્રિગેડના જવાનોએ આ સમગ્ર સ્થળ પર રેતી નાંખી દેતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. જાકે મોટી માત્રામાં ઓઈલ ઢોળાયેલુ હોવાથી એક સાઈટનો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો.

આમ આજે વહેલી સવારથી જ જીએમડીસી મેદાન પાસે અકસ્માતની હારમાળા સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીથી રેતી નાંખવામાં આવી હતી સાથે સાથે થોડો સમય ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.