Western Times News

Gujarati News

નિકોલ પોલીસ સ્ટેશનમાં PSI અને કોન્સ્ટેબલ પર હુમલો

Files Photo

સીંગરવાના સરપંચ ઉપરાંત અન્ય શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈઃ અન્ય પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બોલાવવાની ફરજ પડી

(પ્રતિનિધિ) અમદાવાદ, નિકોલ પોલીસ સ્ટેશનમાં જ ગઈકાલે સાંજના સુમારે ટોળા દ્વારા હેડ કોન્સ્ટેબલ તથા એક પીએસઆઈ ઉપર હુમલો કરવાની ઘટના બનતાં સમગ્ર પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે આ અંગે પીએસઆઈએ હુમલો કરનાર સીંગરવાના સરપંચ તથા અન્યો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદ કરનાર પીએસઆઈ કે.ડી. હડીયાએ જણાવ્યું છે કે સાંજે છ વાગ્યે તે નિકોલ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમની ઓફીસમાં પોતાનું કાર્ય કરી રહયા હતા ત્યારે બુમાબુમ થતાં તે બહાર આવ્યા હતા. જયાં હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈને ટોળા દ્વારા પકડીને ઝપાઝપી કરાઈ રહી હતી. આ દૃશ્ય જાઈ પીએસઆઈ હડીયા ટોળા તરફ દોડયા હતા અને પોતાની ઓળખ આપી શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ટોળામાંથી કુંજનસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (સીંગરવા) બહાર આવીને પોતાની ઓળખ સીંગરવા ગામના સરપંચ તરીકે આપી હતી અને તમે તમારુ કામ કરો અમે અમારું કામ કરીએ છીએ તેમ કહેતા પીએસઆઈ એ તમે કંઈ કરવું હોય એ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ બહાર જઈ કરવા કહેતા કુંજનસિંહનો ભત્રીજા પૃથ્વીસિંહ ચૌહાણ તથા અન્ય એક દિનેશભાઈ નામનો વ્યક્તિ આગળ આવી પીએસઆઈ હડીયા સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી.

ઉપરાંત તેમને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અન્ય પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તમામ આ ટોળા તરફ ધસી ગયા હતા. બબાલ એટલી વધી ગઈ હતી કે અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ પણ કુંજનસિંહે પીએસઆઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તે પણ ચોંકી ઉઠયા હતા. પોલીસ સ્ટેશનમાં જ અધિકારી પર હુમલો કરવાની ઘટનાથી ચોંકી ઉઠેલા અધિકારીએ તાત્કાલિક એલર્ટ થઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તથા તમામ આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવામાં આવ્યા છે અને કુટેજમાં જાવા મળતા તમામ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં થયેલી હુમલાની ઘટનાના પગલે તાત્કાલિક અન્ય પોલીસ સ્ટાફને પણ બોલાવી લેવામાં આવતા પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આરોપીઓ ખૂબજ આક્રમક જણાતા હતાં આ તમામ આરોપીઓ નજીકના ગામના જ હોવાથી પોલીસ અધિકારીઓએ આરોપીઓના ઘરની આસપાસ વોચ ગોઠવી દીધી છે તથા તેમના પરિચિતોના નિવાસસ્થાને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બાદમાં પીએસઆઈ હડીયાએ કુંજનસિંહ તથા અન્ય શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ક્યા મુદ્દે થઈ તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે દરમિયાનમાં પોલીસ સ્ટેશનમાં ઘુસેલા શખ્સોએ પીએસઆઈ તથા કોન્સ્ટેબલ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે આરોપીઓની આક્રમકતાને જાતા તેઓની સામે તાત્કાલીક પગલાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે સૌ પ્રથમ તમામ આરોપીઓના મોબાઈલ નંબર મેળવી તેમને ટ્રેસ કરવામાં આવનાર છે બીજીબાજુ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ વધારી દેવામાં આવ્યો છે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં ગઈકાલે રાતભર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું

પરંતુ વહેલી સવાર સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહી હોવાનું જાણવા મળી રહયું છે. બીજીબાજુ આરોપીઓ તાત્કાલિક ભાગી છુટયા બાદ કયા ભાગી છુટયા છે તે અંગે પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવામાં આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.