Western Times News

Latest News from Gujarat

કોરોના વાઈરસથી બચવા માટેની જરૂરી સૂચના આપવાની સાથે બંદીવાન ભાઈઓ-બહેનોનુ સતત કરાતુ હેલ્થ ચેકઅપ

વડોદરા મધ્યસ્થ જેલમાં કોરોના વાઈરસથી બચવા માટે કેદી ભાઈઓ-બહેનોને અમૃતપેય ઉકાળાનુ વિતરણ કરાયું

સતત પાંચ દિવસ સુધી રોગપ્રિતિકારક શક્તિ વધારતા ઉકાળાનુ વિતરણ કરવામા આવશેઉકાળો વાઈરસજન્ય રોગો સામે લડવામાં ઘણો ઉપયોગી

વડોદરા:રાજ્ય સરકાર નોવેલ કોરોના વાઈરસથી બચવા માટે અગમચેતીના ભાગરૂપે શ્રેણીબદ્ધ પગલા ભરી રહી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલાના કેદી-ભાઈઓ બહેનોનુ આરોગ્ય જળવાઈ રહે અને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આશયથી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉકાળાનું વિતરણ સતત પાંચ દિવસ સુધી કરવામાં આવનાર છે. મહત્વનુ છે કે, તાજેતરમાં મધ્યસ્થ જેલના કેદીઓને કોરોના વાઈરસથી બચવા માર્ગદર્શક સૂચનાઓ આપવાની સાથે સતત તેમનુ હેલ્થ ચેકઅપ પણ કરવામા આવી રહ્યુ છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુધીર જોષી ઉકાળા વિતરણ કરવા અંગે જણાવે છે કે, કેદી ભાઈઓ-બહેનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોના વાઈરસ સામે પ્રતિરોધ કરી શકે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદના ઉપાય મુજબ અમૃતપેય ઉકાળાનું માનવિય અભિગમ સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઈરસથી બચવા માટે આયુષ નિયામકની કચેરી, ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શનને અનુસરી વિનામૂલ્યે ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સતત જનઆરોગ્યની દરકાર લેવામા આવી રહી છે.

મેડિકલ ઓફિસર આમ્રપાલી પટેલે જણાવ્યુ કે, આયુર્વેદની ઉપચાર પદ્ધતિ મુજબ પથ્યાદિક્વાથ, દશમૂલક્વાથ અને ત્રિ-કટુચૂર્ણ (સૂઠ,મરી અને પીપર)ના મિશ્રણથી ઉકાળા બનાવવામાં આવે છે. આ ઉકાળો વાઈરસજન્ય રોગો સામે લડવામાં ઘણી મદદ કરે છે. આપણે કોઈ બિમારીમાં સપડાય તે પહેલા જો આપણે થોડી કાળજી લઈએ તો બિમારીથી બચી શકાય છે. તેના જ ભાગરૂપે આ ઉકાળા આપવામાં આવે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આમ, ઉકાળાનુ સેવન કરવાના આરોગ્યની દ્રષ્ટિએ અનેક લાભ છે.

ઉકાળા વિતરણની વેળાએ વડોદરા મધ્યસ્થ જેલાના સુપ્રિટેન્ડન્ટ શ્રી બલદેવસિંહ વાઘેલા, કમ્પાઉન્ડર શ્રી વિકેશ પટેલ મધ્યસ્થ જેલની મેડીકલ ટીમ ઉપસ્થિત રહી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers