Western Times News

Gujarati News

ગિફ્‌ટ સેઝમાં યુનિટો માટે કંપનીઓનો ભારે ધસારો

અમદાવાદ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્‌ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં સારી એવી સંખ્યામાં આઇટી-આઇટીઇઝ કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક તા.૧૬ માર્ચ, ૨૦૨૦નાં રોજ યોજાઈ હતી. આ સમિતિને ગિફ્‌ટ સેઝમાં રેડી ટુ મુવ – પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી ૧૮ અરજીઓ મળી હતી. ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસ અને ગિફ્‌ટ સેઝ તા.૩૧ માર્ચ, ૨૦૨૦ અગાઉ આ યુનિટની કામગીરી શરૂ થાય એ માટે ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપવા કામગીરી કરી રહ્યાં છે.

નવી અરજીઓ મુખ્યત્વે આઇટી-આઇટીઇઝ ક્ષેત્રની છે, જે આઇટી સોફ્‌ટવેર ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ઓફશોર ડિઝાઇન, બિગ ડેટા એનાલીટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ કન્સલ્ટિંગ, બીપીઓ-કેપીઓ અને રિક્રુટમેન્ટ સેવાઓ જેવા સેગમેન્ટની છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)ની સનસેટ જોગવાઈ તા.૧ એપ્રિલ, ૨૦૨૦થી અમલમાં આવવાની સાથે ગિફ્‌ટ સેઝ પ્લગ એન્ડ પ્લે રેડી ઓફિસને સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા મળશે, જે મોટી સંખ્યામાં કંપનીઓને આકર્ષી રહ્યો છે.

અત્યાર સુધી મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. ગિફ્‌ટ સેઝમાં યુનિટ સ્થાપિત કરવા માટે કંપનીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કમિશનર, ગિફ્‌ટ સેઝે તા.૨૪ માર્ચ, ૨૦૨૦નાં રોજ નવા યુનિટની માગ સંતોષવા યુનિટને મંજૂરી આપવા માટેની સમિતિની વધુ એક બેઠક યોજવાની જાહેરાત કરી છે. ગિફ્‌ટ સેઝ આઇએફએસસી સૌથી વધુ ઝડપથી વિકસતાં સર્વિસ એસઇઝેડ પૈકીનો એક છે, જે ૧૮૦ માન્યતા પ્રાપ્ત યુનિટ ધરાવે છે.

અહીંથી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી પ્રથમ ૧૧ મહિનામાં આશરે રૂ. ૩૭૪૦ કરોડનાં મૂલ્યની સેવાઓની કુલ નિકાસ થઈ છે. તાજેતરમાં ગિફ્‌ટ સેઝને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં કંડલા સેઝ દ્વારા સર્વિસ સેક્ટરમાં બેસ્ટ એસઇઝેડનો એવોર્ડ પણ અપાયો હતો. ગિફ્‌ટ સિટીનો મલ્ટિસર્વિસ સેઝમાં અગ્રણી કંપનીઓ તેમના મોટા સેન્ટર ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.