Western Times News

Gujarati News

SoU એ માત્ર ગુજરાતીઓનું જ નહીં પણ ૧૩૦ કરોડ ભારતીયોનું ગૌરવ

સરદાર વલ્લભભાઇ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન ૭૦ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ-કાશ્મિર માટેની કલમ-૩૭૦ અને ૩૫-એ રદ કરીને સાકાર કર્યું  : ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ને વૈશ્વિકકક્ષાએ પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર

‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ના વિકાસનો બિન સરકારી સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજી સાથે ખભે-ખભો મિલાવીને દેશ માટે આઝાદીની લડતમાં જોડાયેલા લોહપુરુષ અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઇ પટેલનું આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન રહ્યું છે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ જો આપણા દેશમાં જન્મ્યા ન હોત તો કદાચ શક્ય છે કે આપણો દેશ આઝાદ ન થાત. સરદાર પટેલનું આ અમૂલ્ય યોગદાન દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, અંગ્રેજો દ્વારા કુટ રાજનિતી રમીને દેશને એક ન થવા દેવા અનેક પ્રયત્નો થયા. ખુબ લાંબી લડતને અંતે અંગ્રેજોએ ભારત છોડ્યુ. દેશી રાજા-રજવાડાઓને ભારતમાં વિલીન કરવાની કામગીરી શરૂ કરાઇ ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ કાશ્મીરી હોવાના નાતે કાશ્મીરને ભારતમાં વિલીન કરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વિકારી હતી જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલને તમામ દેશી રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. સરદાર સાહેબને સોંપાયેલું આ કામ તેમણે સુપેરે નિભાવી પુરૂ કરી બતાવ્યું અને દેશી રજવાડાઓને ભારતમાં વિલીન કરી દીધા.

શ્રી પટેલે બિસ્માર્કને યાદ કરીને કહ્યુ કે તેમણે તલવારના જોરે બધાને એકઠા કર્યા હતા જ્યારે સરદાર સાહેબે લોહીનું એક ટીંપુ વહેવડાવ્યા વિના સૌને એકત્ર કર્યા હતા. એટલું જ નહી આ પ્રસંગે ગુજરાતના રાજાઓના અમુલ્ય યોગદાનને પણ યાદ કરવામાં આવ્યા હતા. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એ પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા. તે ઉપરાંત ગોંડલ અને વડોદરાના રાજાઓએ આપેલા યોગાદાનને પણ યાદ કરવામાં આવ્યા હતાં.

શ્રી પટેલે કહ્યું કે, સરદાર પટેલે જવાબદારીપૂર્વક તેમને સોંપાયેલુ કાર્ય પૂર્ણ કરી બતાવ્યુ જ્યારે જવાહરલાલ નહેરૂએ માત્ર કાશ્મીરના વિલીનીકરણનું કાર્ય સોંપાયુ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતાં. તેમની આ નિષ્ફળતાને કારણે અત્યાર સુધી લોકોએ ઘણું સહન કરવુ પડ્યું પરંતુ ગુજરાતના જ બે મહાન સપૂતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તે અધૂરુ કામ પુરુ કરી બતાવ્યુ છે. સ્વ. નહેરૂની નિષ્ફળતાથી અટવાયેલું કાશ્મિરને ભારતમાં વિલીન કરીને ભારતનું અખંડ બનાવવાનું સરદાર સાહેબનું સપનું ગત વર્ષે આ બે ગુજરાતીઓએ પૂર્ણ કરી સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો આપતી ૩૭૦ કલમ અને ૩૫-એ રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલનુ અધુરું સ્વપ્ન જે કોંગ્રેસ ૭૦ વર્ષ સુધી કરી ન શકી એ આપણા ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે. આજે ૩૭૦ની કલમ રદ્દ થયા પછી કાશ્મીરમાં એક પણ હિંસાની ઘટના બની નથી. તેમણે ઉમેર્યું હતું કે અમારી સરકારે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જ નહીં પણ મુંબઈ અને નવી દિલ્હીમાં પણ બાબાસાહેબ આંબેડકરનું સ્મારક લાખોના ખર્ચે તૈયાર કરીને તેમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’એ ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્ય બેઠકોનું પ્રતિનિધિત્વ પણ દર્શાવે છે તેમ જણાવી શ્રી પટેલે કહ્યું હતું કે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું મુખ કઈ દિશામાં રાખવું તેના માટે ખૂબ ગહન ચર્ચા વિચારણા થઇ હતી. વર્ષ ૧૯૪૮માં સરદાર સાહેબે નર્મદા નદી ઉપર ભવ્ય ડેમ બનાવવાનું જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થયું છે. આ ડેમ સામે તેમનું મુખ તેમના આત્માને આવનાર ૧૦૦૦ વર્ષ સુધી શાંતિ આપશે તેવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નિર્ણય કર્યો હતો. સાધુ બેટ ઉપર સાધુ-સંતો દ્વારા નર્મદા મૈયાની અર્ચના માટે યજ્ઞ હવન કરવામાં આવતા હોવાથી આ પવિત્ર ભૂમિને સરદાર સાહેબની પ્રતિમા માટે પસંદ કરવામાં આવી હતી તેમ શ્રી પટેલે આ સંકલ્પ વિશે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ પ્રતિમા કોઈના પણ દાન વિના જ નિર્માણ પામી છે. ભારતભરના કિસાનોના પવિત્ર ખેત ઓજારો ઓગાળીને આ લોખંડનો પ્રતિમાના પાયામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશનાં તમામ રાજયોના ખેડૂતો પાસેથી ખેત ઓજારો એકત્રિત કરવામાં સરદાર સાહેબની આ પ્રતિમા બનાવવા માટેના આ અભિયાનને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો હતો. કોંગ્રેસના અમુક નેતાઓ આવા ઓજારો ને ભંગાર નો ભૂકો કહેતા હતા તે પવિત્ર ઓજારો આજે ભવ્ય પ્રતિમાના પાયામાં સ્થાપિત થયા છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બનતા જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે દર માસે સમીક્ષા બેઠક કરીને તેની ચિંતા કરે છે. દેશવિદેશના હજારો લોકો આજે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા નિહાળવા આવે છે. જેના પરિણામે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓને સુવિધા આપવાના હેતુથી નવી રેલવે લાઇન, વૈશ્વિક કક્ષાનું રેલવે સ્ટેશન, નવા રસ્તા, તેમજ રાજપીપળા ખાતે નવું એરપોર્ટ નિર્માણ થવા જઇ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે આજે આ સ્થળે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી, વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ સિવાય વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે જે તે રાજ્યોના ભવન બનાવવા આ સ્થળે ગુજરાત સરકાર નજીવા દરે જમીન ઉપલબ્ધ કરાવે છે. આજે આ સ્થળે વૈશ્વિકકક્ષાની પરિષદો પણ યોજાય છે. જેના પરિણામે ૩૦૦૦ જેટલા સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ વિસ્તારના સ્થાનિક યુવાનોમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ગાઈડ તરીકે તૈયાર કરવા વડોદરા ખાતે તાલીમ પણ આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર ગુજરાતીઓ માટે જ નહી પણ ભારતની ૧૩૦ કરોડ જનતા તેમજ ભારત બહાર રહેતા બિનનિવાસી ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે એટલે કે આ આપણા સૌ ગુજરાતીનો સંકલ્પ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીએ આ સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન અને કાર્ય રાષ્ટ્ર માટે તેમજ ખાસ કરીને આવનારી પેઢીઓ માટે પ્રેરક અને માર્ગદર્શક બની રહે તે માટે તેમની પ્રતિભાને અનુરૂપ યોગ્ય સ્મારક બનાવવાની કલ્પના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી અને તેમના જ હસ્તે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ “સ્ટેચ્યૂ ઓફ યુનિટી”નું લોકાર્પણ કરવામાં આવ્યું.

નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાની ભાવના પ્રબળ બને અને “ એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો મંત્ર ચરિતાર્થ થાય તે હેતુથી સરદાર સાહેબના આ સ્મારકને “સ્ટેચ્યૂ ઓફ યુનિટી” નામ આપવામાં આવ્યું છે. વિશ્વની ઊંચામાં ઊંચી ૧૮૨ મીટરની આ પ્રતિમાં આજે ગુજરાતની ઓળખ બની ગઈ છે. પવિત્ર નદી નર્મદાના કુદરતી સૌંદર્ય વચ્ચે સરદાર સરોવર બંધની હેઠવાસમાં સાધુ બેટ ખાતે આકાર પામેલી આ પ્રતિમાનું નિર્માણ દેશના તમામ રાજ્યોમાંથી ખેડૂતો દ્વારા વણવપરાયેલ ખેત ઓજારોના યોગદાનથી થયેલ હોઈ સમગ્ર ભારતના ખેડૂતો અને ગ્રામજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે.

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા આ પ્રતિમાને વિશ્વની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવી છે. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ મેગેઝીન દ્વારા ૨૦૧૯માં વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ પ્રવાસન સ્થળોમાં આ સ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય છે.

વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, એકતા ઓડીટોરીયમ, આરોગ્ય વન અને ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક જેવા સંલગ્ન આકર્ષણોને કારણે આ સ્થળ પારિવારિક પ્રવાસનનું કેન્દ્ર બન્યુ છે. આ સ્થળે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ૩૦૦૦ જેટલા લોકોને હાલ રોજગારી મળી રહેલ છે. પ્રવાસીઓને સલામત અને સુરક્ષિત પ્રવાસન પુરુ પાડવા અને આ વિસ્તારના ઝડપી અને આયોજીત વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા “સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ” નામનું એક સત્તામંડળ સ્થાપવાની જોગવાઈ રાજ્ય વિધાનમંડળના કાયદાથી કરવામાં આવી છે. આ સ્મારક સ્વયં અખંડીતતાનો એક આગવો સંદેશ પ્રસરાવે તે માટે આવશ્યક પગલાં ભરવા શ્રી સોલંકીએ સભાગૃહ દ્વારા રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.