Western Times News

Gujarati News

મનરેગા હેઠળ ૨૪૬૯ લાખના ખર્ચે કામો થયા

File Photo

વિધાનસભાની સાથે સાથે…
અમદાવાદ,  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો પર પૂછાયેલા પ્રશ્નો બાદ સંબંધિત વિભાગોના મંત્રીઓ દ્વારા પુરતી માહિતી આપવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.

ખેડૂતોને પાવર ટીલર ખરીદવા માટે સહાય
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતરમાં ખેડ તેમજ બાગાયત ખેતી માટે યંત્ર શક્તિ પૂરી પાડતું પાવર ટીલર ઓજાર ખરીદવા સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં તા. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૨૪ ખેડૂતોને પાવર ટીલર ખરીદવા માટે ૧,૪૫,૧૧,૩૯૯ની સહાય ચુકવવામાં આવી છે, તેમ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. મંત્રીએ આ અંગે તાલુકાવાર માહિતી આપતા કહ્યું હતું કે, ડોલવણ તાલુકામાં ૬૨ ખેડૂતોને ૩૯.૪૪ લાખની સહાય, વ્યારા તાલુકામાં ૯૦ ખેડૂતોને ૫૭.૭૮ લાખ, વાલોડમાં ૪૧ ખેડૂતોને ૨૫.૨૫ લાખની, સોનગઢમાં ૩૧ ખેડૂતોને ૨૨.૬૪ લાખની સહાય આપી. તાપી જિલ્લામાં ૮ બીએસપીથી વધુ ક્ષમતાના પાવર ટીલર ખરીદવા માટે કુલ-૮૩૦ અરજીઓ આવી હતી તેમાંથી ૨૨૪ અરજીઓ મંજૂર કરીને કુલ ૧,૪૫,૧૧,૩૯૯ની સહાય ખેડૂતોને આપવામાં આવી હતી તેમ મંત્રીએ ધારાસભ્યના પૂરક પ્રશ્નનો જવાબ આપતા ઉમેર્યું હતુ.

અન્નપૂર્ણા હેઠળ અનાજનું વિતરણ કરાયું
અન્ન, નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતુ કે, તા. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લામાં ‘મા અન્નપૂર્ણા’ યોજના હેઠળ ૨૯૬૬૩.૨૫ મે.ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા ખાતે નર્મદા જિલ્લામાં અનાજના જથ્થાના વિતરણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન એએવાય કાર્ડ દીઠ ૨૫ કિ.ગ્રા. ઘઉં ૨ પ્રતિ કિલો, ૧૦ કિ.ગ્રા. ચોખા ૩ પ્રતિ કિલો તથા ઁપીએચએચ વ્યક્તિદીઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં ૨ પ્રતિ કિલો, ૧.૫ કિ.ગ્રા. ચોખા ૩ પ્રતિ કિલો આમ એએવાય કાર્ડ દીઠ ૩૫ કિ.ગ્રા. અને ઁપીએચએચ વ્યક્તિદીઠ ૫ કિ.ગ્રા. અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

મનરેગા હેઠળ અમદાવાદમાં ૪૦૪૫ કામો પૂર્ણ
આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં માનવદિન રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગ્રામવિકાસ રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતુ કે, અમદાવાદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨૪૬૯ લાખના ખર્ચે ૪૦૪૫ કામો પૂર્ણ કરાયા છે અને ૭૬૦૮ કામો પ્રગતિ હેઠળ છે. ખાબડે ઉમેર્યું કે, ગ્રામ્ય સ્તરે રોજગારી આપવા માટે મનરેગા યોજના દ્વારા જળસ્ત્રોત, જળસંચય ચેકડેમના કામો હાથ ધરાય છે. જેના દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૧૦,૭૨,૯૧૮ માનવદિન રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી ૪,૬૨,૭૪૭ મહિલાઓ માટે માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે.

કચ્છમાં ૯૮૬.૫૫ લાખની ટ્રેક્ટર સહાય
વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ટ્રેક્ટર ખરીદી સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, કચ્છ જિલ્લામાં ૧૯૭૪ લાભાર્થીઓને ૯૮૬.૫૫ લાખની સહાય ટ્રેકટર ખરીદી માટે ચૂકવાઈ છે. તેમણે કહ્યું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૭૯૨ અરજીઓ મળી હતી તે પૈકી ૧૫૮૯ અરજીઓ મંજૂર કરીને ૮.૭૦ કરોડની સહાય ચૂકવાઇ છે. જે અરજીઓ નામંજૂર થઈ છે તેમાં અગાઉ સહાય લીધી હોય, પૂરતા સાધનિક કાગળો રજૂ કર્યા ન હોય, એક પરિવારમાંથી વધુ વ્યક્તિએ અરજી કરી હોવાથી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિના ૪૫ ખેડૂતો તથા મહિલા ૧૫૨ લાભાર્થીઓએ સહાય મેળવી છે.

પપૈયાના પાકના વાવેતર માટે સહાય
ગુજરાત વિધાનસભામાં કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે અરવલ્લી જિલ્લામાં પપૈયાના પાકના વાવેતર માટે તા. ૩૧-૧૨-૨૦૧૯ના રોજ પૂર્ણ થતાં બે વર્ષમાં ૪૫૨ અરજદારોને સહાય ચુકવવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં પપૈયાના પાકના વાવેતર અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ ૬૭૦ અરજીઓ મળી હતી જેમાંથી ૬૦૪ મંજૂર કરી ૪૫૨ અરજદારને ૧.૭૪ કરોડની સહાય ચુકવવામાં આવી છે. પડતર અરજીઓમાં અરજદારોએ સાધનિક કાગળો રજૂ ન કર્યા હોય, અગાઉના વર્ષમાં લાભ મળ્યો હોય જેવા કારણોસર સહાય ચૂકવવામાં બાકી છે. પપૈયા પાક વાવેતરની સહાય મેળવવા ‘‘આઇ. ખેડૂત’’ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને અથવા નાયબ ખેતી નિયામક પાસે રૂબરૂ જઈ જરૂરી ફોર્મમાં અરજી કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.