Western Times News

Latest News from Gujarat

અમદાવાદ શહેરમાં વધુ ત્રણ કેસ પોઝિટીવ આવતા ચિંતામાં વધારો

File Photo

અમદાવાદ: ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે શનિવારના દિવસે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસો પોઝિટીવ આવતા હાહાકાર મચી ગયો છે. કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં નવા ત્રણ કેસોનોની સાથે સાથે વડોદરામાં વધુ એક કેસ થયો છે. આની સાથે જ કેસોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૧ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં હજુ સુધી છ કેસ, વડોદરામાં ત્રણ કેસો અને સુરત અને રાજકટોમાં એક એક કેસ નોંધાયો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે હજુ સુધી જે પણ કેસો થયા છે તે તમામ વિદેશથી આવેલા લોકો છે. એરપોર્ટ પર હજુ સુધી ૩૬૬૧૭ લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે. બેઠકોનો દોર જારી છે.

કોરોનાના ઈલાજ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આ પાંચેય પોઝીટીવ દર્દીના પરિવારજનોને ફરજિયાત ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. રાજ્ય સરકારે કરેલી અલાયદી વ્યવસ્થામાં આ તમામ પરિવારજનોને હાલ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જણાવતા જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, પરિવારજનોની હાલત પણ સ્થિર છે. તેઓ કેટલા લોકોના સક્રિય સંપર્કમાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો વધુ લોકોને ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રખાશે. આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૫૦ કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે.

આમાંથી ૫ સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૨૩ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૨૨ સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડીંગ છે. કેસોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ, સુરત, રાજકોટ, અરવલ્લી સહિતના તમામ મોટા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. અન્ય સાવચેતીના તમામ પગલા પણ લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી.

જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝીટીવ આવ્યો નથી. અમદાવાદમાં કોરોના પોઝીટીવના એક જ દિવસમાં આજે વધુ ત્રણ પોઝીટીવ કેસો સામે આવતાં સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ અને લોકોમાં જબરદસ્ત હડકંપ મચી ગયો છે.

અમદાવાદના પોઝીટીવ કેસ પૈકી બે ે મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી અને મુંબઇ થઇ ફ્‌લાઈટમાં અમદાવાદ પહોંચી હતી. ન્યૂયોર્કથી આવેલી મહિલા તા.૧૪ માર્ચે આવી હતી. ત્રણ દિવસ ઘરે રહ્યાં બાદ તા.૧૭મીએ એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી. જયારે ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ તા.૧૩મી માર્ચે આવી હતી અને એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી. આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદના યુવતી કે જે

તા.૧૪ માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્‌લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝીટીવ આવ્યો છે. જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૫ થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય ૩૫ વર્ષથી ઓછી છે.
આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers