Western Times News

Gujarati News

પીપાવાવ પોર્ટ વિસ્તારમાં એક કરોડથી વધુનો માલ જપ્ત થયો

File Photo

 

કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપર પ્રતિબંધ હોવા છતાંય તેને નવા તરીકે બતાવી ઘૂસાડવાનું કૌભાંડ પકડાયુ

અમદાવાદ : પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દિન પ્રતિદિન પ્રતિબંધિત વસ્તુ અને પોર્ટ પર થતી ગોલમાલના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવી રહ્યા છે. આજે પીપાવાવ પોર્ટ ખાતે સ્થાનિક કસ્ટમ વિભાગ દ્વારા એક કન્ટેનરને આંતરી જડતી લેતાં તેમાંથી એક કરોડથી વધુનો પ્રતિબંધિત મુદ્દામાલ મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓએ મુદ્દામાલ સાથે કન્ટેનર સીઝ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, કસ્ટમ વિભાગના આ સપાટાને પગલે પોર્ટ પર તેમ જ અન્ય એકમોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

કસ્ટમ વિભાગની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર પ્રકરણમાં જૂની ઇલેક્ટ્રોનીક આઇટમો પર પ્રતિબંધ હોવાછતાં તેને નવા તરીકે બતાવી ઘૂસાડવાનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કન્ટેનરના ચાઈનીઝ માલની ચકાસણી કરતા બહુ મોટી ગોલમાલ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કિસ્સામાં એવી પણ વિગતો સામે આવી હતી કે, દિલ્હીના ઈમ્પોર્ટર દ્વારા નવા મંગાવેલ કમ્પ્યુટર એલસીડી જૂના બ્રાન્ડેડ કંપનીના નીકળતા ફ્રોડ કરાયું હોવાની વાત સામે આવતાં કસ્ટમ વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

કારણ કે, ભારતમાં જૂની ઇલેક્ટ્રોનિક આઇટમ પર પ્રતિબંધ હોવા છતાં જૂના કોમ્પ્યુટર-એલસીડી મંગાવી તેને નવા માલ તરીકે ડિક્લેર કરી કસ્ટમ ડયુટીની ચોરીનો પ્રયાસ થયો હોવાની આશંકાના આધારે હવે કસ્ટમ અધિકારીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે કસ્ટમ વિભાગ દ્વારા એક કરોડથી વધુના મુદ્દામાલ સાથેના કન્ટેનરને જપ્ત કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. પીપાવાવ કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોર્ટ ઓદ્યગિક ઝોનમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીપાવાવ પોર્ટ જેટી વિસ્તારમાં સુરક્ષા એજન્સી અને ચકાસણી કરતું કસ્ટમ વિભાગની એટલી મોટી ટીમો છતાં કેમ પ્રતિબંધિત વસ્તુ મળી આવે છે તેને લઈને સવાલો પણ હવે ઉઠી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.