Western Times News

Latest News in Gujarat

GEBના માર્ચ-એપ્રિલના વીજ બિલો તા. ૧પમી મે સુધી ભરી શકાશે 

નાના-મોટા ઉદ્યોગો વેપારી એકમોને જીઇબીના એપ્રિલના વીજ બિલમાં ફીકસ ચાર્જ નહી લેવાય વપરાશનું જ બિલ લેવાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન સ્થિતીની સમિક્ષા કરતા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ  ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. ૧પમી મે સુધી કરવામાં આવી છે.

તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ જાહેરાત કરતા વધુમાં કહ્યું કે હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકો જેમને જીઇબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જી લેવામાં આવશે નહિ, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોર કમિટીની મળેલી આ બેઠકમાં ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ અને વરિષ્ઠ સચિવોએ સર્વગ્રાહી સમીક્ષા અને ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય કરેલો છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પ્રધાનમંત્રીશ્રીએ ર૧ દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જે જાહેરાત કરી છે તેને ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને સફળ બનાવી રહ્યા છે અને આ વાયરસ સામે સુરક્ષિત રહેવાની જે જાગરૂકતા દર્શાવી છે તે માટે આભાર પણ વ્યકત કર્યો હતો. તેમણે સૌ સાથે મળીને આ મહામારી સામે અવશ્ય વિજય મેળવીશું તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.