Western Times News

Gujarati News

આવશ્યક ચીજોની ઉપલબ્ધ કરાવવા માટે રેલવે માલવહન સેવાઓ દ્વારા તમામ પ્રયાસો કરે છે

File Photo

પૂરવઠાની સાંકળની કામગીરી જળવાઇ રહે તે માટે છેલ્લા 4 દિવસમાં 1.6 લાખથી વધુ વેગનમાં પૂરવઠાની હેરફેર કરી; આમાંથી, 1 લાખથી વધુ વેગનમાં આવશ્યક ચીજવસ્તુઓ લઇ જવામાં આવી

ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં ખાદ્યાન્ન, મીઠું, ખાંડ, દુધ, ખાદ્ય તેલ, ડુંગળી, ફળ અને શાકભાજી, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, ખાતર વગેરે આવશ્યક ચીજોની હેરફેર કરવામાં આવે છે

કોરોના વાયરસ મહામારીના કારણે જ્યારે સંપૂર્ણ દેશમાં લૉકડાઉનનો અમલ છે ત્યારે, ભારતીય રેલવે તમામ દેશવાસીઓના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પોતાની અવિરત માલવહન સેવાઓ દ્વારા તમામ પ્રયાસો કરી રહ્યું છે. પૂરવઠા સાંકળની કામગીરી જળવાઇ રહે તે માટે છેલ્લા 4 દિવસમાં અંદાજે 1.6 લાખ વેગનમાં પૂરવઠાની હેરફેર કરવામાં આવી છે. આમાંથી, 1 લાખથી વધુ વેગનમાં આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી હતી જેથી પૂરવઠા સાંકળની કામગીરી જળવાઇ રહે અને રાષ્ટ્રમાં દરેક વ્યક્તિને ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય.

વિવિધ રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ દરમિયાન, ભારતીય રેલવેના સ્ટાફને વિવિધ માલ-સામાનના શેડ, સ્ટેશનો અને કંટ્રોલ ઓફિસોમાં તૈનાત કરવામાં આવ્યા છે જેઓ 24X7 ધોરણે કામ કરી રહ્યા છે જેથી દેશમાં તમામ લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સુનિશ્ચિત થાય અને તેના પર કોઇ અસર ન પડે.

23 માર્ચ 2020ના રોજ કુલ 26577 વેગન ખાદ્યાન્ન, મીઠું, ખાદ્ય તેલ, ખાંડ, દુધ, ફળ અને શાકભાજી, ડુંગળી, કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનો સહિતની આવશ્યક ચીજવસ્તુઓ માટે દોડાવવામાં આવ્યા હતા. આમાંથી 1168 વેગનમાં ખાદ્યાન્ન, 42 વેગનમાં ફળ અને શાકભાજી, 42 વેગનમાં ડુંગળી, 42 વેગનમાં ખાંડ, 168 વેગનમાં મીઠું, 20 વેગનમાં દુધ, 22473 વેગનમાં કોલસો અને 2322 વેગનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો લઇ જવામાં આવ્યા હતા.

24 માર્ચ 2020ના રોજ કુલ 27742 વેગનમાં આવશ્યક ચીજવસ્તુઓ લઇ જવામાં આવી હતી. આમાંથી 1444 વેગનમાં ખાદ્યાન્ન, 84 વેગનમાં ફળ અને શાકભાજી, 168 વેગનમાં મીઠું, 15 વેગનમાં દુધ, 50 ટેન્ક ખાદ્ય તેલ, 24207 વેગન કોલસો અને 1774 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનોની હેરફેર કરવામાં આવી હતી.

25 માર્ચ 2020ના રોજ કુલ 23097 વેગનમાં આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની હેરફેર કરવામાં આવી હતી. આમાં, 876 વેગનમાં ખાદ્યાન્ન, 42 વેગનમાં ખાંડ, 42 વેગનમાં મીઠું, 15 વેગનમાં દુધ, 20418 વેગનમાં કોલસો અને 1704 વેગનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો લઇ જવામાં આવ્યા હતા.

26 માર્ચ 2020ના રોજ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા સાથે કુલ 24009 વેગન ચલાવવામાં આવ્યા હતા. આમાં, 1417 વેગન ખાદ્યાન્ન, 42 વેગન ખાંડ, 42 વેગન મીઠું, 20784 વેગન કોલસો અને 1724 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો વિવિધ જગ્યાએ પહોંચાડવામાં આવ્યો હતો.

કોવિડ-19ના કારણે મૂકવામાં આવેલા વિવિધ પ્રતિબંધોની વચ્ચે રેલવે તંત્ર દ્વારા રાજ્ય સરકારો સાથે મળીને ખૂબ જ ઘનિષ્ઠતા સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે જેથી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતને કોઇપણ વિલંબ વગર સરળતાથી સંભાળી શકાય.

ભારતીય રેલવે તંત્રમાં આવશ્યક ચીજવસ્તુઓની હેરફેરની કામગીરી અવિરતપણે થાય તેના પર દેખરેખ રાખવા માટે, રેલવે મંત્રાલયમાં ઇમજરન્સી માલવાહક ટ્રેન કંટ્રોલ કાર્યરત છે. માલવાહક ટ્રેનોની ગતિવિધી પર દરેક વરિષ્ઠ સ્તરના અધિકારીઓ દ્વારા ખૂબ જ નજીકથી દેખરેખ રાખવામાં આવે છે.

ભારતીય રેલવે મુશ્કેલીના આ સમય દરમિયાન પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાને સમજે છે અને આવશ્યક ચીજવસ્તુઓનું ઝડપથી લોડિંગ અને અનલોડિંગ સુનિશ્ચિત થઇ શકે તે માટે તમામ હિતધારકોને સંપૂર્ણ સહકાર આપવાની વિનંતી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.