Western Times News

Gujarati News

ગુજરાતમાં હવે કુલ 8 લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકશે

રાજ્યમાં આજે રાજકોટમાં ત્રણ નવા પોઝિટિવ કેસ : ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47
રાજ્યમાં 3.98 કરોડ નાગરિકોનું સર્વેલન્સ કરાયું – રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલને કોરોના ટેસ્ટિંગ લેબની માન્યતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47 થઈ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની કોર ગૃપની બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજ સુધીમાં 47 કેસ નોંધાયા છે, જે પૈકીના અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.

કોરોનાને કારણે જે 3 નિધન થયા છે તેમાં અમદાવાદ, સુરત અને ભાવનગર માં એક-એક નિધન થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ, 98 લાખ, 26 હજાર, 12નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ખાંસી, ઝાડા – ઉલટીની વિગતો તથા આંતરરાજ્ય કે આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે.

ડોક્ટર રવિએ ઉમેર્યું હતું કે, આજે દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત છ સરકારી લેબોરેટરી અને ૨ ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.