Western Times News

Gujarati News

રાજકોટમાં શિકાગોથી આવેલી હોમ ક્વોરન્ટાઇન કરાયેલી યુવતી ફરાર

Files photo

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્‌સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ ગઇ છે. આ યુવતી સામે માલવીયા નગરમા આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૧૮૮ તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ આ ફરાર યુવતીને શોધી રહી છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટમાંથી ૧૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી આઠ નેગેટિવ અને ત્રણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમાં ગુરુવારે દુબઈથી આવેલા યુવાનના મિત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તે બન્ને પણ દુબઈથી આવેલા યુવાનના મિત્ર જ છે. આમ દુબઇથી પરત રાજકોટ આવી યુવાને ચાર વ્યક્તિઓને ચેપ લગાડ્‌યો છે. રાજકોટમાં કોરોનાના આઠ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૩૭ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત રાજકોટ શહેરી વિસ્તારમાં ૫૧૯ અને ગ્રામ્ય વિસ્તારના ૧૨૭ મળી કુલ ૬૪૬ લોકોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

ત્રણ દિવસ પહેલા પણ વડોદરામાં આવો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વિદેશથી આવેલી પુત્રીના કારણે ઘરના તમામ સભ્યોને પણ હોમ ક્વારન્ટાઇન કર્યા હોવા છતાં યુવતીના માતા અને પિતા દુકાન ખોલી વ્યવસાય કરતા ઝડપાઇ જતા પોલીસે દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ચાંપાનેર દરવાજા પાસે લિંગાયત ખાંચામાં રહેતા દિપકભાઇ ડાહ્યાભાઇ પટેલની પુત્રી વિદેશથી આવી હોવાથી એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ કરાવ્યા બાદ તેને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી.

દિપકભાઇ બે માળના મકાનમાં ઉપરના માળે રહે છે તેમજ નીચેના માળે શ્રી શક્તિ સેલ્સ નામની દુકાન ધરાવે છે. વડોદરાના આરોગ્ય તંત્ર દ્વારા યુવતી ઉપરાંત તેના પિતા દિપકભાઇ અને માતા ભાવિકાબેનને પણ હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતાં. દરમિયાન આરોગ્યખાતાની ટીમ દ્વારા દિપકભાઇના ઘેર તપાસ કરતા બંનેને હોમ ક્વોરેન્ટાઇન કર્યા હોવા છતાં તેઓ દુકાન ખોલી બિન્ધાસ્ત વ્યવસાય કરતા હતાં. આ અંગે આખરે પતિ અને પત્ની સામે સીટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.