Western Times News

Gujarati News

એક લાખ લિટર રાસાયણિક પાણીથી દાહોદના ૭૫ ટકા વિસ્તારનું ડિસઇન્ફેકશન

દાહોદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે થતી ડિસઇન્ફેકશનની કામગીરી, ચારેક દિવસમાં સંપૂર્ણ દાહોદમાં ડિસઇન્ફેશન થઇ જશે નગરપાલિકાના ૪૧૫ જેટલા સ્વચ્છતા સૈનિકો દ્વારા દાહોદને ચોખ્ખુ ચણાક બનાવવા દિનરાત થતી કામગીરી
દાહોદ નગરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ડિસઇન્ફેક્શનની કામગીરી ૭૫ ટકાથી વધુ પૂર્ણ થઇ ગઇ છે. એટલે, પોણા ભાગના દાહોદમાં ડિસઇન્ફેક્શન કરી દેવામાં આવ્યું છે. સાથે, દાહોદના તમામ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે.

મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ જણાવ્યું કે, દાહોદ નગરપાલિકા દ્વારા ગત્ત તા. ૨૨થી સમગ્ર નગરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ફાયર ફાયટર, જેટિંગ મશિન અને ૧૦ સ્પ્રેઇંગ મશિનને કામે લગાડવામાં આવ્યા હતા. પાણી સાથે સોડિયમ હાયપોક્લોરાઇટ નામનું રાસાયણ ઉમેરી તેનો છંટકાવ કરવામાં આવે છે. ફાયર ફાયટરમાં સવાસો લિટર જેટલું રાસાયણ ઉમેરવામાં આવે છે અને તે બાદ તેથી નગરની ગલીઓ, ઓટલાઓ, દિવાલો ઉપર સ્પ્રે કરવામાં આવી રહ્યો છે.

એ જ પ્રમાણે ૨ જેટિંગ મશીન દ્વારા પણ કોરોના વાયરસ સામે ૧૫ કર્મચારીઓની ટીમ દ્વારા રાસાયણયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ૨૫૦૦ લિટરના ફાયર ફાયટર અને ૧૦૦૦ લિટરના બે જેટિંગ મશિનની ટ્રીપને ધ્યાને લઇ ૭૫ ટકા વિસ્તારમાં ૧૦૨૫૦૦ લિટર રાસાયણિક પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.

સેનેટરી ઇન્સ્પેક્ટર એસ. આર. ખપેડે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી પણ વધુ સઘન કરી દેવામાં આવી છે. જેમાં ૨૭૫ સ્વચ્છતા કર્મીઓ, ૫૦ મેઇન રોડના સ્વચ્છતા કર્મીઓ અને રાત્રી સફાઇના ૬૦ સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જ્યારે, ૨૮ કર્મચારીઓ દ્વારા ફોગિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિસઇન્ફેક્શનની કામગીરી બાકીના વિસ્તારોમાં બેચાર દિવસમાં પૂર્ણ થઇ જશે. આમ, નગરપાલિકા દ્વારા કોરોના વાયરસ સામેની લડાઇ લડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.