Western Times News

Gujarati News

કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાજિક પરિવર્તનનું માધ્યમ બનેલી ઉજ્જવલા યોજના મહત્વની ભૂમિકા ભજવશેઃ ધર્મેન્દ્ર પ્રધાન

મેગા વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે એલપીજીના પુરવઠાની સમીક્ષા કરી

અમદાવાદ, એલપીજી સિલિન્ડરના પુરવઠાની પૂરતી તથા અવિરત ઉપલબ્ધતા તથા ઉજ્જવલા યોજનાના લાભાર્થી એવા 8 કરોડ પરિવારોને 3 મહિના સુધી નિઃશુલ્ક એલપીજી સિલિન્ડર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના આશરે 700થી વધુ જિલ્લા નોડલ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાયેલી આ મંત્રણામાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે સામાજિક પરિવર્તનના એક મહત્વના કારક તરીકે સ્થાપિત થયેલી પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, વર્તમાનમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણના સમયમાં ફરી એક વાર મહત્વની ભૂમિકા ભજવશે.

તેમણે પીએમયુવાય યોજનાના લાભાર્થીઓ માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાની વિવિધ વિશેષતાઓ વિશે માહિતી આપી હતી. જેમાં 14.2 કિ.ગ્રાના મહત્તમ 3 સિલિન્ડરની ઉપલબ્ધી તથા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પીએમયુવાય ગ્રાહકોના બેન્ક ખાતામાં અગ્રિમ આરએસપી ટ્રાન્સફર કરવા જેને ઉપાડી ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ગેસનો સિલિન્ડર મેળવવા સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે આ યોજનાના અસ્ખલિત અમલીકરણ માટે પણ સૂચનો આપ્યાં હતાં.

મંત્રીએ પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે લોકડાઉન છતાં 15 પોર્ટ ટર્મિનલ્સ, 195 એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ તથા પરિવહન નેટવર્ક રોજિંદા ધોરણે કાર્યરત છે, જેથી દેશમાં એલપીજી ઉત્પાદનોની પુરતી અને અવિરત ઉપલબ્ધતા જળવાઈ રહેશે.

એલપીજી ડિલિવરી બોય્ઝ તથા ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓની કામગીરીને બિરદાવતાં તેમણે જણાવ્યું હતું કે દેશના દરેક ખૂણામાં એલપીજીનો અવિરત પુરવઠો ઉપલબ્ધ બનાવીને આપણી ટીમના સભ્યો ઉમદા અને મહાન કાર્ય કરી રહ્યાં છે. દરરોજ આશરે 60 લાખથી વધુ એલપીજી સિલિન્ડર્સની ડિલિવરી કરાઈ રહી છે, જે આપણાં ડીએનઓસના અથાક અને અવિરત પ્રયાસો તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તથા એલપીજી ડિલિવરી બોય્સના સમર્પણ અને પ્રતિબદ્ધતા વિના શક્ય ના બનત. સરકારે તેમના આરોગ્યની જાળવણી માટે તકેદારીના વિવિધ પગલાં લેવા ઉપરાંત તેમના માટે રહેમ રાહે રૂ. 5 લાખની ફાળવણીની જાહેરાત કરી છે.

તેમણે ડીએનઓ(ડિસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર્સ)ને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને કામ કરવા ઉપરાંત પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થાનિક સમુદાય સાથે સંપર્કમાં રહી આવશ્યક વસ્તુઓનો પુરવઠો અવિરત મળી રહેશે તે બાબતે તેમને ખાતરી આપવા સૂચન કર્યાં હતાં.

તેમણે ડીએનઓને આયુષ મંત્રાલય દ્વારા સૂચિત વિવિધ આરોગ્યલક્ષી પગલાં લેવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે સંપૂર્ણ અંધારૂ રાખી દિવો/મીણબત્તી/ટોર્ચ/મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ કરવાની વડાપ્રધાનની અપીલને મહત્તમ પ્રતિસાદ મળે તે સુનિશ્ચિત કરવા પણ તેમણે તમામ ડીએનઓસને અપીલ કરી હતી.

મંત્રી દ્વારા મળેલાં પ્રોત્સાહનને પગલે તમામ ડીએનઓસ તથા ઓઈલ માર્કેટિંગ કંપનીઓના અધિકારીઓએ એલપીજી, પેટ્રોલ તથા ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના અવિરત પુરવઠાને સુનિશ્ચિત બનાવવા માટે દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.