Western Times News

Gujarati News

દવાઓ અને ઉપકરણોનું પૂરતું ઉત્પાદન અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી

tablet medicines

ફાર્મા સચિવે દવા અને ફાર્મા ઉદ્યોગ તેમજ તેમના સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
નવી દિલ્હી, ભારતીય ફાર્મા ઉદ્યોગ આવશ્યક દવાઓ જેમાં ખાસ કરીને HCQનું પૂરતું ઉત્પાદન અને સંગ્રહ કરી રહ્યો છે જેથી સ્થાનિક માંગ અને નિકાસની જવાબદારીઓ બંને પૂર્ણ કરી શકાય. વિભાગ દ્વારા રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીતંત્રોની મદદથી સમગ્ર દેશમાં ઉત્પાદન અને પરિવહન સુનિશ્ચિત કરવામાં આવી હતી. ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ ડૉ. પી.ડી. વાઘેલાએ ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણ ઉદ્યોગની કામગીરી અને સમસ્યાઓની સમીક્ષા કરવા માટે આજે તેમની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજી ત્યારે આ વિગતો સામે આવી છે.

આ VCમાં સંયુક્ત સચિવ (નીતિ) શ્રી નવદીપ રીનવા અને IPA, IDMA, OPPI, BDMA, AiMeD, MTaI, ફાર્મેક્સિલ, CII, FICCI તેમજ ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ કેમિકલ્સ એન્ડ ડ્રગ્સ સહિતના દવા અને તબીબી ઉપકરણોના ઉત્પાદકોના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્યોગને બડ્ડી (હિમાચલ પ્રદેશ) , ઝીરકપુર (પંજાબ), દમણ અને સિલવાસા અને પૂર્વોત્તરમાં પડી રહેલી સમસ્યાઓ અંગે તેમણે પ્રતિભાવો આપ્યા હતા. ઝીરકપુર મુખ્ય વિતરણ કેન્દ્ર છે જ્યાંથી સમગ્ર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં દવાઓ વિતરિત કરવામાં આવે છે. તેવી જ રીતે, બડ્ડી, દમણ અને સિલવાસા ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કેન્દ્રો છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો દ્વારા પૂર્વોત્તરમાં દવાઓના પૂરવઠાની મુખ્ય સમસ્યાઓ ઉકેલવા માટે પ્રયાસો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. સચિવે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ સતત આ ઉદ્યોગ, રાજ્યો અને અન્ય વિભાગો સાથે ઇમેલ, વોટ્સએપ ગ્રૂપ, DoPમાં ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમ તેમજ NPPA અને VCના માધ્યમથી સંપર્કમાં છે જેથી તેમની સમસ્યાઓ જાણી શકાય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ તે મુદ્દા ઉઠાવીને ઝડપથી ઉકેલ લાવી શકાય.

આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ 12.4.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અંગે ખુશી વ્યક્ત કરી હતી જેમાં મુશ્કેલીના આ સમયમાં ફાર્મા ઉદ્યોગને સુવિધા આપવાની વાત કરવામાં આવી છે. જોકે, તેમણે કેટલાક સૂચનો પણ આપ્યા હતા જેમકે, કુરિયર સેવાને આવશ્યક સેવા તરીકે જાહેર કરવાની જરૂર છે કારણ કે ડાયાબિટિસ, કેન્સર વિરોધી અને અન્ય મોંઘી દવાઓ સહિત વિવિધ દવાઓની ડિલિવરીમાં તેમની ભૂમિકા મહત્વની હોય છે.

અન્ય તમામ આનુષંગિક સેવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સરળતાથી ચલાવવા માટે જરૂરી ઉત્પાદનોને પણ મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. JNPT બંદર અને મુંબઇ હવાઇમથકે ભીડની સમસ્યાનો પણ અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડૉ. વાઘેલાએ તમામ લોકોને તેમના તરફથી શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા

જેથી દેશના તમામ ભાગોમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો પૂરવઠો સુનિશ્ચિતપણે વિના અવરોધે થઇ શકે. AIOCDને કહેવામાં આવ્યું હતું કે, કાયદા અનુસાર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તેવી દવાઓ કેમિસ્ટ દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર ન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. AIOCDએ ખાતરી આપી હતી કે, સમગ્ર દેશામાં તમામ વિતરકો અને કેમિસ્ટો દ્વારા આ બાબતે સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે. લૉકડાઉનના સમયમાં સમગ્ર દેશમાં દવાઓનો પૂરવઠો જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા બદલ સચિવે તમામ સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે, તેમને ખરેખર તે મુશ્કેલીઓ પડી રહી છે તેનો ઉકેલ લાવવા માટે સરકારનો પૂરતો સહકાર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.