Western Times News

Gujarati News

તા. ૧ લી મે થી તા. પ મે સુધી નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે તુવેરની ખરીદીનો પ્રારંભ થશે

 સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય-ભીડભાડ ન થાય તે માટે તુવેર વેચાણના ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ અને સમય ફાળવાશે
 ખરીદ કેન્દ્ર ખાતે માસ્ક-સેનીટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે જિલ્લા કલેકટરોને સૂચનો
 આગામી ઊનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન ઊભી થાય તે માટે જિલ્લા કલેકટરો જાતે દેખરેખ રાખે
 હેન્ડ પંપ બગડયા હોય-પાણી ઊંડુ ગયું હોય ત્યાં તાત્કાલિક રિપેરીંગ હાથ ધરાય
 વધુ પ્રમાણમાં અવર-જવર વાળા સ્થળો-APMC માર્કેટ યાર્ડ – બજારોમાં થર્મલ ગન – સેનીટાઇઝર માસ્કનો ઉપયોગ અવશ્ય થાય તે જિલ્લા તંત્ર સુનિશ્ચિત કરે
 મનરેગાના કામો-સુજલામ સુફલામ જળ અભિયાનના કામો-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો ત્વરાએ શરૂ કરવા તાકીદ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની સતત પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ અને આરોગ્યલક્ષી બાબતો, પીવાના પાણીની સ્થિતી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની ઉપલબ્ધિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.  આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ અન્ય મંત્રીશ્રીઓ પોતાના જિલ્લાઓમાંથી સહભાગી થયા હતા.  રાજ્ય મંત્રીમંડળની આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય. એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે.  તેમણે એવી પણ તાકીદ કરી કે, અત્યારે રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે.  કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં હવે તેનો વ્યાપ વધુ ફેલાય નહિ તેની તકેદારીઓ રાખવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા APMC, માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ કરી હતી તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તુવેર તથા એરંડા-ચણા પકવતા ખેડૂતોના વ્યાપક હિતમાં પણ આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્યો કર્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી શુક્રવાર તા. ૧ મે થી તા. ૫ મી મે-ર૦ર૦ સુધી તુવેરની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.  અગાઉ સરકારે તા. ૧-૧ર-ર૦૧૯થી તા. ૧૫-૧-ર૦ર૦ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ તા. ૧-૧-૨૦૨૦થી તા. ૩૦-૩-ર૦ર૦ સુધી ૯૦ દિવસ ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં ૧૬,૩૪૫ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. તે પૈકીના ૩૮૮૧ ખેડૂતોએ ૬પ૧૪ મે.ટન તુવેર દાળનું વેચાણ કરેલું છે.

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ને પગલે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં ખરીદી તા.ર૩ માર્ચથી મુલત્વી રાખવામાં આવેલી હતી.  મુખ્યમંત્રીશ્રીએ હવે તા. ૧ મે શુક્રવારથી તા. ૫ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પૈકીના તુવેર વેચાણ માટે બાકી રહેલા ૧૨૪૧૭ ખેડૂતોના તુવેરના જથ્થાની ખરીદી તા. ૧ મે-ર૦ર૦થી તા. પ-પ-૨૦૨૦ સુધી કરાશે. ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ કહ્યું કે ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીશ્રીએ સુચનાઓ આપી છે.  તેમણે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પણ ખાસ તાકીદ કરી છે.  હાલમાં નોવેલ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણના કિસ્સાઓ વધતા આ સંક્રમણ અટકાવવા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ખેડૂતોને SMS કરીને ટાઇમ સ્લોટ અને તારીખ જણાવવામાં આવે તે મુજબ તેઓએ તુવેર વેચાણ માટે આવવાનું રહેશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગુજકોમાસોલ દ્વારા તા. ૧લી મે થી ચણા અને રાયડાની ખરીદી શરૂ થવાની છે તેમાં પણ કોઇ સમસ્યા ન આવે, મુશ્કેલી ન સર્જાય તે માટે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ, મંત્રી શ્રી જયેશભાઇ તેમજ ઇશ્વરસિંહ પટેલ સાથે વિડીયો કોન્ફરન્સીંગ બેઠક યોજી હતી.  આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, ચણા-રાયડાની ખરીદી પ્રક્રિયામાં પણ ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્ક વગેરેનો ઉપયોગ અવશ્ય થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં મનરેગાના કામો ઝડપથી ચાલુ કરવા સાથોસાથ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પણ શરૂ કરવા અને ખોદવામાં આવતા તળાવ-ચેકડેમની માટી ખેડૂતોને તેમના ખેતરમાં વિનામૂલ્યે લઇ જવા આપી દેવાય તેની પણ કલેકટરોને તાકીદ કરી હતી.  તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો પણ ત્વરાએ શરૂ કરવાની અને લાભાર્થીઓને તેનો લાભ મળે તે જોવાની પણ કલેકટરોને આ બેઠકમાં સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિનીકુમાર વગેરે આ બેઠકમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.