Western Times News

Gujarati News

સુખી-સંપન્ન નાગરિકોને હક જતો કરી જરૂરિયાતમંદને લાભ આપવા રાજ્ય સરકારની અપીલ

File

એક તરફ લોકડાઉનના કારણે કામકાજ બંધ છે, તેવામાં પરિવારનું પેટિયું રળવાનો પ્રશ્ન દરેક સામાન્ય નાગરિક માટે મહત્ત્વનો બની રહ્યો છે, તેવામાં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા સતત બીજા મહિને રાજ્યના આશરે 61 લાખથી વધુ પરિવારો માટે વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં આજથી એટલે કે, 7મી મેથી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવરી લેવાયેલા તમામ પરિવારોને અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારને 10 કિલો ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, એક કિલો ચણાદાળ અને એક કિલો ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

આ અંગે રાજ્યના વિવિધ જિલ્લાના નાગરિકોએ તેમનો પ્રતિભાવ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને અત્યાર સુધા લેવાયેલાં પગલાંની પ્રશંસા કરી હતી. ભુજના કૈલાસનગરના હિતેશ વેલજીભાઇ ચાવડા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને આવકારતા જણાવે છે કે, આ વ્યવસ્થા ખૂબ સરસ છે. ખાસ કરીને નાના માણસો અને મધ્યમવર્ગીય પરિવારો માટે બહુ ઉપયોગી છે.

આ જ રીતે ભુજના જ અન્ય એક લાભાર્થી દીપચંદભાઇ મહેશ્વરી જણાવે છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ ગરીબ માણસોને સંકટના સમયે મદદ કરી છે, તે સરાહનીય છે. વર્તમાન કપરા સંજોગોમાં બીજી વખત વિનામૂલ્યો અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર સરાહનીય છે.

કશ્પય વૈષ્ણવે પણ પોતાના પ્રતિભાવમાં રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.મધ્યમવર્ગની લાગણી રજૂ કરતાં તૃષા મનીષ વૈદ્યએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સગવડના પ્રશંસા કરતાં કહ્યું કે, મધ્યમવર્ગીય નાગરિકો જ્યારે બીજાની સામે હાથ નથી લંબાવી શકતા, ત્યારે સરકારની સહાય ખૂબ ઉપયોગી છે. ભુજના રજનીભાઈ સુખડિયાએ સરકારના આ સ્તુત્ય પગલા પગલા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, જૂનાગઢ નજીકના ધણફૂલિયા ખાતેથી વિનામૂલ્યે રાશન મેળવનાર હિતેશકુમાર કોરડિયા અને વિપુલભાઇ ધાંગશેએ રાજ્ય સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું કે, લોકડાઉનની સ્થિતિમાં આ અનાજ કુટુંબ માટે સહાયરૂપ બનશે.

આ જ રીતે, જિલ્લાના વાડલાના લાભાર્થી પ્રફુલભાઇ વડાલિયાએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે જરૂરિયાતમંદો માટે આ જથ્થો હાલના સંજોગોમાં રાહતરૂપ છે. તેમની વાતને સમર્થન આપતાં ટીંબાવાડીના જયેશભાઇ હિરપરાએ રાજ્ય સરકારની કામગીરીને સરાહનીય ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આજથી સતત બીજા મહિને 61 લાખથી વધુ મધ્યમવર્ગીય એપીએલ-1 પરિવારોને વિનામૂલ્યે અન્ન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના NON NFSA, APL-1 રેશન કાર્ડધારકો પોતાના આધાર બેઇઝ્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વડે પોર્ટેબિલિટી દ્વારા રાજ્યની કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવી શકે છે. તા.7 મેથી 11મી મે સુધી રેશનકાર્ડના છેલ્લા બે ડિજિટ અનુસાર અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ અનિવાર્ય સંજોગોમાં જો કોઈ રહી ગયું હોય, તો તેઓને તા.12મી મેના રોજ અનાજ વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માટે વિવિધ સસ્તા અનાજની દુકાનો-પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર, વ્યાજબી ભાવની દુકાનો પરથી આરોગ્ય અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાની સાથે માસ્ક બાંધીને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખોટી ભીડભાડ ન થાય કે અરાજકતા ન ફેલાય તેનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ તબક્કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સુખી સંપન્ન નાગરિકોને પોતાનો અધિકાર જતો કરી, સામાજિક દાયિત્વ નિભાવવા રાજ્ય સરકારે અપીલ કરી છે. જેથી જરૂરિયાતમંદોને અન્નનો જથ્થો મળી રહે અને નાગરિકો વચ્ચે ‘હેવ અને હેવ નોટ’ની ખાઈ પૂરી શકાય. (અમિત રાડીઆ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.