કોરાનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી યુ.એન. મહેતા હોસ્પિટલનું નિરિક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી
:શ્રી નિતિનભાઇ પટેલ ::
• રાજ્યના દરેક કોરોનાગ્રસ્ત દર્દીના પ્રાણ બચાવવા એ અમારો પ્રયાસ
• અદ્યતન અને નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ૨૨૮થી વધારે બેડ ઉપલબ્ધ
• ડૉક્ટર, નર્સીંગ અને પેરામેડિકલ સ્ટાફ તથા વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવેલી નવનિર્મિત અને સુવિધાયુક્ત યુ.એન.મહેતા હોસ્પિટલનું સંપૂર્ણ નિરિક્ષણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓની જાણકારી મેળવી તેઓએ દર્દીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે ખરાઇ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપલ્બધ સુવિધાઓ તેમજ આ હોસ્પિટલની માળખાગત સુવિધાઓના ભવિષ્યના આયોજન વિશે અધિકારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી સૂચનો આપ્યા હતા.
નવીન હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને પથારીથી લઇને ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સુવિધા, સ્ટાફ માટેની પી.પી.ઇ. કીટ પહેરવા-બદલવાની વ્યવસ્થા સહિત તમામનું બારીકાઇથી નિરિક્ષણ કર્યુ હતુ. તાજેતરમાં મુલાકાત લીધેલ એઇમ્સના તજજ્ઞો અને આઇ.સી.એમ.આર.ના દિશાનિર્દેશ પ્રમાણે વોર્ડ અને આઇ.સી.યુ. માં ઉપલબ્ધ સુવિધાઓ નિહાળી હતી.
પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેઓએ કહ્યુ કે રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તેવા સરકારના પ્રયાસ છે જેના ભાગરૂપે જ આજે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ૨૨૮થી વધુ બેડ ઘરાવતા કોરોના વોર્ડ ખુલ્લા મુકાયા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલ સિવાય પણ રાજ્યની ૪૨ ખાનગી હોસ્પિલમાં ૫૦ ટકા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને ભવિષ્યમાં જો ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે મોકલવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે સરકાર તેમને મદદરૂપ થવા સજ્જ છે.
તેઓએ ઉમેર્યુ કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ૨૫૦૦ જેટલા તબીબો તેમજ મોટી સંખ્યામાં નર્સીંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ રાતદિવસ કાર્યરત છે જેથી રાજ્યના કોઇપણ દર્દીએ ચિંતીત થવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલ ખાતેથી સાજા થનાર તમામ વ્યક્તિને તંત્રની દેખરેખ હેઠળ કોર્પોરેશનની બસ દ્વારા તેઓના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં ઉપયોગમાં લેવાલી રહેલા સંપૂર્ણ સ્વદેશી એવા ઘમણ વિષે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે કહ્યુ કે સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારીથી લડી રહ્યુ છે. અવરજવરની સુવિધા અને ધંધા રોજગાર પણ મુશકેલીમાં મુકાયા છે ત્યારે વેન્ટિલરની માંગ વધતા વિદેશથી જથ્થો ઉપલબ્ધ કરાવવો મુશકેલ બન્યો હતો.રાજકોટની એક સ્થાનિક કંપનીએ સ્વદેશી ધમણ-૧ જે પ્રાથમિક તબક્કે ઓક્સિજન પુરો પાડે છે. ઘમણ-૧ વિકસાવીને સરકારને ૧૦૦૦ ઘમણ-૧ ભેટ કર્યા. ઉપરાંત હાઇએન્ડ ઘમણ વિકસાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે.
