Western Times News

Gujarati News

સિંહોના ટોળાએ ૧૦૮ એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ટીમે મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવી પડી

ઊના, ઉનાના ગીરગઢડામાં અજીબ બનાવ બન્યો હતો. ગીરગઢડામાં એક મહિલાની ૧૦૮ની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની જરૂર પડી હતી. ગીરગઢડામાં ૧૦૮ ને કોલ આવતા તાલુકાના ભાખા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ પ્રસૂતાને હોસ્પિટલમાં લાવતા સમયે અચાનક સિંહોનું ટોળું રસ્તા વચ્ચે આવી ગયું હતું.

જેથી એમ્બ્યુલન્સ સિંહોથી ઘેરાઈ ગઈ હતી. આવામાં પ્રસૂતાની પીડા વધી જતા ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં ડિલીવરી કરવાની ફરજ પડી હતી. જોકે, બાળકી અને માતા બંને સલામત રહ્યાં હતા. ૧૦૮ ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવતા રસ્તામાં જ ટીમે મહિલાને પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. જિલ્લાના ગીર ગઢડાની ૧૦૮ એમ્બ્યુલન્સને ગઈકાલે રાત્રે ૧૦.૨૦ કલાકે તાલુકાના ભાખા ગામથી એક ફોન આવ્યો હતો. ૩૦ વર્ષના અફસાનાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી.

તેઓને તાત્કાલિક હોસ્પિટલ જવાની ફરજ પડી હતી. ત્યારે ૧૦૮ મહિલાને લેવ ભાખા ગામમાં પહોંચી હતી. ત્યાંથી અફસાનાબેનને લઈને ગીરગઢડા સરકારી દવાખાને જવાનું હતું. પરંતુ અચાનક જ રસુલપરા પાટિયા પાસે એમ્બ્યુલન્સ પહોંચી, તો ત્યાં રસ્તામાં ૪ સિંહોનું ટોળું બેઠું હતું. સિંહોને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સને ત્યાં રોકવી પડી હતી. પરંતુ અંદર અફસાનાબેનને પ્રસૂતિની પીડા વધી ગઈ હતી.

દુખાવો વધવા લાગ્યો અને ૧૦૮મા રહેલા ઈમરજન્સી સ્ટાફ ઇએમટી. જગદીશ મકવાણા અને પાઇલોટ ભરત આહીર દ્વારા એમ્બ્યુલન્સમાં મહિલાને ડિલીવરી કરાવી હતી. આવા કપરા સંજોગોમાં અફસાનાબેને બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકીને એમ્બ્યુલન્સમા જરૂરી સારવાર આપી હતી અને ત્યાર બાદ પણ ચારેય સિંહોનું ટોળું ત્યાં જ રોડ પર હતું. સિંહોના ટોળાએ એમ્બ્યુલન્સને ફરતે અનેક આંટા માર્યા હતા. ૨૦ મિનિટ બાદ તે સિંહોનું ટોળું સાઈડમા જતું રહ્યું હતું અને મહિલા દર્દીને ગીર ગઢડા હોસ્પિટલ સલામત રીતે લઈ જવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.