Western Times News

Gujarati News

અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં  ૪૫ લાખ NFSA કુટુંબોએ અનાજનો પુરવઠો મેળવ્યો

પ્રતિકાત્મક

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યમાં મે મહિના માટે વિનામૂલ્યે અનાજ વિતરણના છઠ્ઠા દિવસે અંદાજે ૪૫ લાખ જેટલાં NFSA કુટુંબોને આ અનાજ પહોંચાડવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત સરકાર દ્વારા મે માસમાં વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા અથવા દાળ  એમ કુલ- 15  કિલો જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં  તેમજ 1.5 કિલો ચોખા એમ કુલ-20 કિલો અનાજનો જથ્થો સરકાર માન્ય ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિતરણ થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, ૬૮.૮૦ લાખ NFSA કાર્ડઘારકોને રાજય સરકારના તથા ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર એમ બેય મળીને કુલ ર૦ કિલો જથ્થાનું પુરવઠાનું ખૂબ જ સારી રીતે, સામાજિક અંતર જાળવવા, ફરજિયાત માસ્કના ઉપયોગ સાથે વિનામૂલ્યે વિતરણ અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજયમાં તા.૧૭ મે થી શરૂ થયું છે.  તેમાં આજે તા.ર૨મી મે શુક્રવાર સુઘીમાં ૪૫ લાખ રેશનકાર્ડઘારકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો છે.

તેમણે કહ્યું હતુ કે, રાજયમાં ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો ધરાવતા ભાઈ-બહેનોએ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના કુટુંબોને અનાજ પહોંચે, તેમને સમયસર રાશન મળી જાય તેના માટે એપ્રિલ અને મે માસ એમ બે મહિના દરમિયાન રાત-દિવસ જોયા વિના સતત કામગીરી કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.  મુખ્યમંત્રીશ્રીના સચિવે આ કામગીરી માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ અંગેની વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA)” હેઠળ સમાવેશ કરાયેલ કુલ ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને એપ્રિલ મહિનાની જેમ જ મે મહિના દરમ્યાન ઘઉં, ચોખા, ખાંડ તથા મીઠાના મળવાપાત્ર પ્રમાણ મુજબ વિનામૂલ્યે અન્ન પુરવઠાનું વિતરણ કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કરેલો છે.

આ ઉપરાંત ભારત સરકાર ધ્વારા પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA)” હેઠળ સમાવેશ થયેલા આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને નિયમિત મળવાપાત્ર ઘઉં/ચોખાના પુરવઠો ઉપરાંત  એપ્રિલ -મે- તથા જૂન મહિના દરમ્યાન પ્રતિ વ્યકિત ૩.પ કિલો ધઉં તથા ૧.પ કિલો ચોખા મળી કુલ પ કિલો અનાજ તથા કુટુંબદીઠ ૧ કિલો કઠોળ-ચણા વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.