Western Times News

Latest News in Gujarat

મમતા સાથે વડાપ્રધાન મોદીનું કોલકતામાં હવાઈ સર્વે- રૂ. ૧,૦૦૦ કરોડની મદદ

કેન્દ્ર તરફથી બંગાળને રૂ. ૧,૦૦૦ કરોડ મદદ આપવાની જાહેરાત કરાઇ

કોલકાતા,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી મમતા બેનરજી પણ હતા. ત્યારપછી વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી રાજ્યને રૂ. ૧,૦૦૦ કરોડ મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, વાવાઝોડાથીનુકસાન ઓછું થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને ઘણાં પ્રયાસો કર્યા છે. તેમ છતાં ૮૦ લોકોના મોત થયા છે. અમને તેનું દુખ છે. જે લોકોએ પોતાના લોકો ગુમાવ્યા છે અમે આ સંકટના સમયે તેમની સાથે છીએ. અત્યારે અમારુ કામ એમની મદદ કરવાનું છે. સરકાર તે માટે દરેક શક્ય મદદ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, મમતાજીના નેતૃત્વમાં ભારત સરકારે સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ દેશ માટે ગૌરવની વાત છે. આજે રાજા રામ મોહન રાયની જયંતી છે. આ દરમિયાન મારું બંગાળમાં હોવું મારા માટે ખૂબ મહત્વની વાત છે. આ સંકટના સમયે હું એટલું જ કહીશ કે, રાજા રામ મોહન રાય આપણને આશિર્વાદ આપે જેથી આપણે મળીને કામ કરી શકીએ. હું બંગાળ સરકારને વિશ્વાસ અપાવું છું કે, આ સંકટના સમયે આખો દેશ તમારી સાથે છે. હું આ સમયે બધાને મળવા આવ્યો છું પરંતુ કોરોનાના કારણે નાગરિકોને નહીં મળી શકું. આ સંકટ પણ ઝડપથી ખતમ થાય તે માટે કામ કરીશ. બંગાળ માટે રૂ. એક હજાર કરોડની મદદ તુરંત કરવામાં આવશે.

મોદીએ કહ્યું, ગયા વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણીની વ્યસ્તતા વધારે હતી. ત્યારે ઓરિસ્સામાં ચક્રવાતી વાવાઝોડાથી થયેલા નુકસાનનું ભરપાઈ કરવામાં વ્યસ્ત હતો. એક્ઝેટ એક વર્ષ પછી આવેલા ચક્રવાતી વાવાઝોડાથી દરિયા કિનારાના વિસ્તારો ઘણાં પ્રભાવિત થયા છે. ખૂબ ઝડપથી એક ટીમ મોકલવામાં આવશે જે અમ્ફાનથી થયેલા નુકસાનનો રિપોર્ટ બનાવશે. લોકોના પુર્નવાસ અને પુનનિર્માણ સાથે સંબંધિત દરેક મુદ્દા વિશે વિચાર કરશે.

આજે વડાપ્રધાન મોદી ૮૩ દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ ૨૯ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા. બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી તાકાતવાર વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. તેના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા ૭૬ થઈ ગઈ છે. તેમાંથી ૧૯ લોકોના મોત તો કોલકાતામાં જ થયા છે.વાવાઝોડામાં અંદાજ કરતા વધારે નુકસાન થયું હોવાથી એનડીઆરએફની વધારે ચાર ટીમ કોલકાતા રવાના કરવામાં આવી છે. બંગાળમાં પહેલેથી ૪૧ ટીમ છે. તે સિવાય સેના, નેવી અને વાયુસેનાની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. બીજી બાજુ બંગાળ અને ઓરિસ્સામાં પહેલેથી જ ૭ લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.

બંગાળમાં ૫ લાખ લોકોને તટીય વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી સહિત ૭ જિલ્લા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.મમતા બેનરજીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં ૭૨ લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ ૨૪ પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટનેટ લાઈનોને પણ નુકસાન થયું છે. ૧૨૦૦થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.અમ્ફાન બંગાળમાં ૨૮૩ વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું છે. ૧૭૩૭માં ગ્રેટ બંગાલ સાઈક્લોનમાં ૩ લાખ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઓરિસ્સામાં ૧૯૯૯માં સુપર સાઈક્લોન આવ્યું હતું. જેમાં ૧૦ હજાર લોકોના મોત થયા હતા.