Western Times News

Latest News in Gujarat

“જેટ”ની કાર્યવાહીથી નાગરીકો ત્રાહીમામ

જેટના કર્મચારીઓ સત્તા બહારના દંડ વસુલી રહ્યા હોવાની
ફરિયાદો  : સ્કોપ ઓફ વર્ક નક્કી કરવા માંગણી

 

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકના માપદંડ જળવાય તેવા આશયથી શરૂ કરવામાં આવેલ “જાઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ” (જેટ) ભ્રષ્ટાચારની ગંગોત્રી બની રહી છે. મ્યુનિ.કોર્પાેરેશન અને શહેર પોલીસ વિભાગના સંયુક્ત સાહસ “જેટ” સામાન્ય નાગરીકો માટે માનસિક ત્રાસ સમાન બની રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહી છે. “જેટ”માં બિરાજમાન અધિકારીઓ-કર્મચારીઓ મનસ્વીપણે દંડની વસુલાત કરી રહ્યા છે.
તથા તંત્રને સોંપવામાં આવેલ કામગીરી કરવાના બદલે અન્ય કામમાં વધુ રસ દાખવી રહી છે. નાગરીકો પાસેતી નિયમભંગ બદલ “વહીવટી ચાર્જ”ના નામે જે પાવતીઓ ફાડવામાં આવી રહી છે તેના કરતાં “અ-વહીવટી” ચાર્જના નામે વધુ રકમ અન્યત્ર પગ કરી જાય છે. જેના કારણે જેટમાં કામ કરવા માટે ભાવ બોલાઈ રહ્યા છે. તથા જવાબદાર અધિકારીઓને દર મહિને હપ્તા પેટે મોટી રકમ આપવાની પણ ઓફરો થઈ રહી હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે.

મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનરે જે આશયથી જેટની શરૂઆત કરી હતી તે આશયને અભરાઈએ મૂકવામાં આવી રહ્યો છે. જેટના કર્મચારીઓના “સ્કોપ ઓફ વર્ક” નક્કી કરવામાં નથી આવ્યા તેનાં કારણે નાગરીકો પાસેથી ખોટી રીતે- ખોટી રકમની વસુલાત થઈ રહી છે. તેમજ જેટના કર્મચારીઓ તેમની સત્તા બહારના કામ પણ કરી રહ્યા છે. જેટની શરૂઆત થઈ તે સમયે જાહેરમાં થુંકવા, લઘુશંકા કરવા, કચરો ફેંકવા, ફૂટપાથ કે જાહેર માર્ગ પર દબાણ કરવા, ખોટી જગ્યા વાહન પાર્ક કરવાં જેવા નિયમોનો ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ માત્ર એક મહીનાના ગાળામાં જ “જેટ”ના કર્મચારીઓ “સિંઘમ” અને “દબંગ” અધિકારીઓના આદેશનું પણ પાલન કરતાં ન હોય તેમ લાગી રહ્યું છે. જેટના કર્મચારીઓ તેમને સાંપવામાં આવેલી કામગીરી કરવાના બદલે અન્ય કામ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

જેટના કર્મચારીઓ નાના વેપારીઓ પાસે જઈને ગુમાસ્તા ધારા સહિતના અન્ય દસ્તાવેજાની તથા નળ-ગટરનાં જાડાણોની માંગણી કરે છે. તથા માત્ર એક ટકાની પણ ભૂલ લાગે તો વહીવટી ચાર્જ પેટે રૂ.૨૫ હજાર લેવાની ધમકીઓ આપવામાં આવે છે. તેમાં અંતે સેટલમેન્ટ થાય છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં ભાજપના જ એક સભ્યએ આ મુદ્દે ફરીયાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ખાનગી સોસાયટીમાં ૮૦ઃ૨૦ યોજના હેઠળ આર.સી.સી. રોડનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે કોન્ટ્રાક્ટરે સોસાયટીની બહાર રેતી ખાલી કરાવી હતી.

ટ્રેક્ટર દ્વારા રેતી ખાલી થઈ રહી હતી તે સમયે જ “જેટ”ના મહાનુભાવો પહોંચી ગયા હતા. તથા ટ્રેક્ટર જપ્ત કરીને રૂ.૫૦ હજાર વહીવટી ચાર્જ પેટે વસુલ કરવાની ધમકી આપી હતી. પરંતુ અંતે “સેટલમેન્ટ” થઈ ગયું હતું. જેટના કર્મચારીઓ માટે “સ્કોપ ઓફ વર્ક” તથા દંડની રકમ તથા પરીપત્ર કરવામાં આવ્યા નથી. જેનો ખોટો લાભ કર્મચારીઓ લઈ રહ્યાં છે. આ અંગે વ્યાપક ફરયાદો મળી હોવા છતાં મ્યુનિ.હોદ્દેદારો આંખ આડા કાન કરી રહ્યાં છે. જેનાં કારણે નાગરીકોમાં ભારે નારાજગી જાવા મળે છે.

“જાઈન્ટ એક્શન ટીમ” (જેટ)માં પોલીસ ખાતાના બે તથા મ્યુનિ.કોર્પાેરેશનના બે કર્મચારીઓ હોય છે. મ્યુનિ.એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ ખાતાના કર્મચારીઓ “જેટ”માં ફરજ બજાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ દંડ અને રસીદ માત્ર સોલીડ વેસ્ટ ખાતાની હોય છે તે બાબત વિવાદાસ્પદ બની રહી છે. મ્યુનિ.કમિશનર અને સોલીડ વેસ્ટ ખાતા દ્વારા “સ્વચ્છતા સર્વેક્ષણ”ના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં નાગરીકો તે પૂરતી સવલતો ઉપલબ્ધ થઈ નથી. સ્વચ્છ ભારત મીશન અંતર્ગત પ્લાસ્ટીકનો વપરાશ બંધ થયો નથી. પરંતુ દંડા પછાડાને હટતા પદ્ધતિ શરૂ થઇ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પ્લાસ્ટીક વપરાશ બંધ કરાવતા નથી. જ્યારે “જેટ”ના કર્મચારીઓ લારી-પાથરણાવાળા પાસેથી પ્લાસ્ટીક વપરાશ બદલ રૂ.એક હજાર સુધીનો દંડ લઈ રહ્યા છે. પ્લાસ્ટીક ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે સાંઠ-ગાંઠ કરવામાં આવી છે તથા નાના માણસોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જાણકારોનું માનીએ તો “જેટ”ંમાં કર્મચારી મુકવાની કામગીરી આસી.ડાયરેક્ટર હેલ્થને સોંપવામાં આવી છે.

તેથી સોલીડ વેસ્ટ ખાતાના આ નોન-ટેકનીકલ અધિકારીઓ તેમના “માનીતા” અને “વહીવટ”માં નિપુણ હોય તેવા જ  કર્મચારીને “જેટ”ની કામગીરી સોંપી રહ્યા છે. જેના કારણે બધા જ સચવાઈ રહ્યા છે માત્ર નાગરીકો દંડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ ખાતાના કર્મચારીઓ સૌથી ઓછી રસીદો ફાડી રહ્યા છે તથા દંડ પેટે પણ નજીવી રકમ લઈ રહ્યા છે. જેની સામે કોર્પાેરેશનના ખાસ કરીને સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ માઝા મુકી છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવતા નેવે મૂકીને નાગરીકોને દંડી રહ્યા છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.