Western Times News

Gujarati News

હવે દાહોદ જિલ્લામાંથી મેલેરિયા તડીપાર થવાની કગાર ઉપર

દાહોદ: દાહોદ જિલ્લામાં સમગ્ર જૂન માસ મેલેરિયા માસ તરીકે મનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભ થયો છે. આમ તો પ્રાકૃતિક અને ભૌગોલિક કારણોથી દાહોદ જિલ્લો મેલેરિયા માટેનું હોટ ડેસ્ટીનેશન કહેવાય છે. પણ, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક દાયકાથી લેવામાં આવેલા સતત આરોગ્યલક્ષી પગલાંઓને કારણે મેલેરિયા પોતે દાહોદ જિલ્લામાંથી દેશવટો પામવાની કગાર ઉપર છે. મેલેરિયા નાબૂદી માટેના અગત્યના માપદંડ ગણાતા એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૪માં ૧૮.૨૯ ટકા હતો, એ હવે માત્ર ૦.૦૦૪ ટકા સુધી આવી ગયો છે.

ઉક્ત બાબતે માહિતી આપતા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત ડામોરે રહ્યું કે, એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ જિલ્લામાં મેલેરિયાના દર્દીની ટકાવારી દર્શાવે છે. પ્રતિ એક હજાર વ્યક્તિએ મેલેરિયાના દર્દીનું પ્રમાણ દર્શાવે છે. દાહોદ જિલ્લો મેલેરિયા માટે સંવેદનશીલ ગણાય છે. કારણ કે, અહીં ડુંગરાળ વિસ્તારમાં લોકો છૂટાછવાયા વસવાટ કરે છે. વળી, અહીં લોકોનું સ્થળાંતર પણ સતત ચાલું રહે છે.

દાહોદ જિલ્લાના ૬૯૬ ગામોમાંથી મોટાભાગના દુર્ગમ વિસ્તારોમાં આવે છે. તેમાં સર્વેલન્સ કામગીરી સરેરાશ ૧૮ ટકાની સામે ૩૨ ટકા જેટલી થાય છે. સર્વેલન્સમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોની તપાસણી, તેના બ્લડ સેમ્પલ લઇ પરિક્ષણ માટે મોકલવા, દવાઓ આપવા સહિતની કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેથી મેલેરિયા માટેના કારણભૂત મચ્છરોનો નાશ થાય. આ વર્ષે અત્યાર સુધીમાં મેલેરિયા વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને ૨૭૫૦૦ મચ્છરદાનીનું વિતરણ કર્યું છે. આ મચ્છરદાનીની ઝાળીમાં કેમિકલ હોય છે. જે મચ્છરોને આવતા રોકે છે. તેની આવરદા પાંચ વર્ષની હોય છે.
આ ઉપરાંત ૨૯૩૦ મોટા જળાશયો, પાણીના ટાંકા અને સંગ્રહસ્થાનોમાં ૭૨૭૦૦ ગપ્પી માછલી નાખી છે. આ માછલી મચ્છરોના પોરા ખાય જાય છે. ઉપરાંત ખાડામાં બળેલું ઓઇલ પણ નાખવામાં આવે છે. ગટર અને ખાડામાં એક ખાસ પ્રકારના બેક્ટરિયા નાખવામાં આવે છે. આ બેક્ટરિયા ખાતાની સાથે જ પોરા નાશ પામે છે. એનિફિલસી નામની જાતિના માદા મચ્છર મેલેરિયાના વાહક હોય છે.

એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૧થી ક્રમશઃ જોઇએ તો ૧.૬૩, ૧.૭૧, ૪.૦૨, ૧૮.૨૯, ૧૨.૪૨, ૨.૧૫, ૧.૦૨, ૦.૭૫, ૧.૬૭, ૩.૭૩, ૪.૪૨, ૨.૧૦, ૨.૨૮, ૨.૦, ૧.૮૦, ૧.૨૦, ૦.૭૦, ૦.૨૭, ૦.૧૫ અને ૨૦૨૦માં અત્યાર સુધીમાં ૦.૦૦૪ ટકા રહ્યો છે. આ ક્રમમાં જોઇએ તો વર્ષ ૨૦૨૨ સુધીમાં દાહોદ જિલ્લો મેલેરિયાથી મુક્ત થઇ જશે.

મેલેરિયાથી કેવી રીતે બચી શકાય એ જોઇએ. તાવ આવે તો તુરંત નજીકના દવાખાનાએ તપાસ કરાવવી. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે લોહીની તપાસ કરાવવી. માણસ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો.

મચ્છરને દૂર રાખનારા મલમનો ઉપયોગ કરો. સાંજે ઘરમાં લીમડાના પાનનો ધૂમાડો કરવો. સંધ્યાએ સમયે ઘરના બારી દરવાજા બંધ કરવા. જંતુનાશક દવાનો ઘરમાં છંટકાવ કરી મચ્છરોનો નાશ કરવો. ઘરે કે ઓફિસમાં પાણી ભરાતું હોય એવા સાધનોનું પાણી દર ત્રણ દિવસે બદલવું. બંધિયાર પાણીમાં બળેલું ઓઇલ કે કેરોસીન નાખવું જોઇએ. ઘરની આસપાસ ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.