Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઈમાં કમ્યુનિટી ટ્રાંસમિશનની સમસ્યા સર્જાય તેવી આંશકાઃ એમ્સના ડાયરેક્ટર

નવીદિલ્હી, આજે દેશમાં કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે તે સમયે સરકાર દ્વારા લોકડાઉનને હટાવવામા આવ્યુ છે. જે બાદ હવે દિલ્હી અને મુંબઈ જ્યા મોટી સંખ્યામાં વસ્તી રહે છે ત્યા કમ્યુનિટી ટ્રાંસમિશનની એક મોટી સમસ્યા સર્જાય તેવી આંશકાઓ છે. આપને જણાવી દઇએ કે, આ આશંકા દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એઈમ્સનાં ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા દ્વારા કરવામા આવી છે.

આજે દેશનાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર છે. અહીં દરરોજ કોરોનાનાં રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. બીજી તરફ, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગઇ કાલે મંગળવારનાં રોજ મીડિયા સામે કહ્યુ હતુ કે ૩૧ જુલાઈ સુધીમાં દિલ્હીમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫.૫ લાખ સુધી પહોંચી જશે. દરમિયાન, દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એઈમ્સનાં ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ દિલ્હી-મુંબઈમાં કમ્યુનિટી સ્પ્રેડની વાત કરી છે. જો કે આપને જણાવી દઇએ કે, આ વાતને લઇને કેન્દ્રની સરકારનો વિચાર ભિન્ન છે.

ડો.ગુલેરિયાએ આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી અને મુંબઇમાં જે રીતે કોરોના ચેપનાં કેસ વધી રહ્યા છે, ત્યાં કમ્યુનિટી ટ્રાંસમિશનની સંભાવનાઓ વધારે છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ચેપ લાગેલ ૭૦-૮૦ ટકા કોરોનાનાં દર્દીઓ માત્ર ૧૦-૧૨ શહેરોમાં છે. આ શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને, સરકારે અહીં કોરોના ફેલાવો અટકાવવો પડશે. ડો.ગુલેરિયાએ દિલ્હી, મુંબઈ, ઈન્દોર અને અમદાવાદને કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ગણાવ્યું હતું. વળી તેમણે કહ્યું કે, દિલ્હીમાં ૧૨-૧૩ દિવસમાં કેસ બમણા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં અહીં કમ્યુનિટી ટ્રાંસમિશનની સંભાવના છે.

આ અંગે દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ કહ્યું છે કે, દિલ્હીની તાજેતરની સ્થિતિ કમાયુનિટી ટ્રાંસમિશન તરફ ઇશારો કરે છે. તેમણે મંગળવારે કહ્યું કે, દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ અમે ત્યારે જ કહી શકીએ જ્યારે કેન્દ્ર સરકાર તેની ઘોષણા કરે. જો કે અહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ અંગે વિચાર અને દ્રષ્ટિકોણ પૂરી રીતે અલગ દેખાઇ રહ્યો છે. ત્યારે આવતા દિવસોમાં દિલ્હી અને મુંબઈમાં કમ્યુનિટી ટ્રાંસમિશનનાં કેસો સામે આવે છે કે કેમ અને તેને રોકવા સરકાર દ્વારા શું પગલા ભરવામાં આવશે તે હવે જોવુ રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.