Western Times News

Gujarati News

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિષ્ઠિત હોદ્દોઓ માટે લોબિંગ જોરમાં

ગત વર્ષે ઉદ્યોગપતિઓના દબાણને લઈ ચૂંટણી ટળી હતી
અમદાવાદ,  વેપારીઓના પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે સ્થપાયેલી ગુજરાત કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો મૂળ હેતુ હાલ ભુલાઈ ગયો છે. હોદ્દેદારો ચેમ્બરના નામનો ઉપયોગ વેપારીઓ કરતા પોતાના માટે વધુ કરી રહ્યા છે. માટે જ આ પ્રતિષ્ઠિત સંસ્થાના હોદ્દેદાર બનવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી દેતા હોય છે. ત્યારે જ તાજેતરમાં યોજાનારી ચેમ્બરની ચૂંટણીનો માહોલ બરોબર જામી રહ્યો છે.ચેમ્બરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે કોણ કોણ ઉમેદવારી કરે છે તેના ઉપર સૌની નજર છે જોકે બીજી તરફ ઉમેદવારોએ પોતાનું લોબિંગ પણ શરૂ કરી દીધું છે.

ચેમ્બરની ચૂંટણી માટેના ફોર્મનું વિતરણ ૯ મી જુનથી શરૂ થઈ ગયું છે જે આગામી મંગળવાર એટલે કે ૧૬મી જૂન સુધી ચાલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં પણ આવશે. હવે ૧૬મી એ સાંજે ચાર વાગ્યે કયા કયા સભ્યોએ કયા કયા પદ માટે ઉમેદવારી કરી છે તે ચિત્ર સ્પષ્ટ થશે. જોકે ત્યારબાદ મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટનું દબાણ લાવી પ્રતિસ્પર્ધીને ફોર્મ પરત ખેંચવા માટે સમજાવવાના પ્રયાસો તથા જુદી જુદી ખાતરીઓ પણ આપવામાં આવશે. તેમાં ગત વર્ષે ચૂંટણી ટળી ગઇ હતી પરંતુ ચાલુ વર્ષે જે લોકો ઉમેદવારી કરવા માટે ઉત્સાહિત છે તે જોતા ચૂંટણી ટળે તેવી સંભાવના લાગતી નથી.

ચેમ્બર ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે જયેન્દ્ર તન્ના, વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠક્કર તથા હેમંત શાહ ઉમેદવારી કરે તે લગભગ પાક્કું છે. જયેન્દ્ર તન્નાએ તો પોતે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે ઉમેદવારી કરવાના હોવાના મેસેજ પણ જુદા જુદા વ્યાપારી સંગઠનોમાં વહેતા કરી સહકાર મળે તે માટે અપીલ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે વર્તમાન સેક્રેટરી સંજીવ છાજેડ તથા અનિલ સંઘવી સહિત અન્ય બે સભ્યો ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના છે. સંજીવ છાજેડ દ્વારા તો પોતે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.