Western Times News

Gujarati News

ચીનના માંસ-શાકભાજીના જથ્થાબંધ માર્કેટ બંધ

ચીનમાં કોરોનાના ૬૭ કેસ, બેઇજિંગમાં ટેસ્ટિંગ વધારાયા-શિંફદીમાં કામ કરનારા તમામ લોકોની તપાસ કરી ત્યાં ગયેલાઓને બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા આદેશ
બેઇજિંગ,  ચીનમાં કોરોના વાયરસના નવા ૬૭ કેસ સામે આવ્યા બાદ રાજધાની બેઇજિંગના એક જથ્થાબંધ બજારમાં અસંખ્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના નવા જે કેસો આવ્યા છે, એ પૈકી ૪૨ કેસો બેઇજિંગમાં નોંધાયા છે. બેઇજિંગના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, કોવિડ-૧૯નો પ્રકોપ રોકવા માટે બેઇજિંગમાં અધિકારીઓએ ૩૦મી મેથી હમણાં સુધી શિંફદી જથ્થાબંધ માર્કેટમાં ગયેલા લગભગ ૨૯૩૮૬ લોકોના ન્યૂકલેઇક એસિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચીનના આ જથ્થાબંધ બજારમાં તાજેતરમાં કોરોના વાયરસના કેટલાય કેસો સામે આવ્યા છે. હમણાં સુધીની તપાસમાં ૧૨૯૭૩ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી અને બાકીના લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, જે જથ્થાબંધ માર્કેટમાં ગયા હતા.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે પોતાના દૈનિક રિપોર્ટમાં સોમવારે જણાવ્યું કે, કોવિડ-૧૯ના ૪૯ નવા કેસો સામે આવ્યા છે અને વગર લક્ષણના ૧૮ લોકો ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ છે. રવિવાર સુધી વગર લક્ષણના ચેપગ્રસ્ત જોવા મળેલા ૧૧૨ લોકો આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આ એવા દર્દીઓ છે, જેમનામાં કોવિડ-૧૯ના કોઈ લક્ષણ નથી, પરંતુ તેમ છતાં આ લોકોના ટેસ્ટ કરતા તેમનામાં કોરોનાના ચેપ હોવાનું સામે આવ્યું છે. આ લોકોથી અન્યોને ચેપ લાગવાનો ખતરો છે. આયોગના કહેવા અનુસાર ૪૯ કેસો પૈકી ૩૬ કેસો સોમવારે બેઇજિંગમાં નોંધાયા છે.

આ કેસો એ જથ્થાબંધ બજારમાં સામે આવ્યા છે, જ્યાંથી શહેરમાં માંસ અને શાકભાજીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. બેઇજિંગમાં શિંફદી બજારને બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં કામ કરનાર તમામ લોકોની તપાસ કરવી અને ત્યાં ગયેલા દરેક વ્યક્તિને બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો છે.ચીનના આરોગ્ય વિભાગના કહેવા અનુસાર દેશમાં રવિવાર સુધીમાં ૮૩૧૮૧ કેસો સામે આવ્યા છે, જે પૈકી ૧૭૭ લોકોની સારવાર ચાલી રહી છે. આ પૈકી બે દર્દીની હાલત હજુ ગંભીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.