Western Times News

Gujarati News

નવી સરકારે અર્થતંત્રને શક્ય એટલી વહેલી તકે બેઠું કરવા ધ્યાન આપવું પડશે

ભારતીય ઉદ્યોગજગતે જણાવ્યું હતું કે, નવી એનડીએ સરકાર માટે પ્રાથમિકતા અર્થતંત્રને શક્ય એટલી વહેલી તકે અર્થતંત્રને પુનઃ બેઠું કરવાનો કે ફરી વેગ આપવાની રહેશે. એનડીએ સરકારનાં બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીએ 57 મંત્રીઓને વિવિધ મંત્રાલયોની ફાળવણી કરી છે.

ભારતે માર્ચમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 5.8 ટકાની વૃદ્ધિ અનુભવી છે, જેનાં પરિણામે ભારતે સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવવાનું ટેગ ગુમાવી દીધું છે. નાણાકીય વર્ષ 2018-19માં જીડીપીની વૃદ્ધિ 6.8 ટકાનાં દરે થઈ છે, જે નાણાકીય વર્ષ 2017-18માં 7.2 ટકા હતી.

ટીવીએસ મોટરનાં ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું હતું કે, એનબીએફસી ક્ષેત્રમાં કટોકટી સાથે નાણાનો પર્યાપ્ત પુરવઠો નથી અને ગ્રાહકો પાસે ઉત્પાદનો ખરીદવા માટે નાણાં નથી. સીઆઇઆઈ દ્વારા પ્રોફેસર લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્યની યાદમાં આયોજિત મેમોરિયલ ઇવેન્ટમાં  તેમણએ એવું પણ કહ્યું હતું કે, “એફએમસીજી, કાર, ટ્રક અને ટૂ વ્હીલર અને ટ્રેક્ટર્સ સહિત ઓટો એમ તમામ ક્ષેત્રોમાં નીચી વૃદ્ધિ જોવા મળે છે. એટલે સરકાર માટે પહેલો પડકાર અર્થતંત્રને બેઠું કરીને વૃદ્ધિનાં માર્ગે દોડતું કરવાનો રહેશે.” તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકો માટે ધિરાણનો પ્રવાહ સરળ કરવાની સાથે માગ વધારવાની જરૂર છે.

આ જ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કરતાં ટાટા સ્ટીલનાં મેનેજિંગ ડાયરેક્ટર ટી વી નરેન્દ્રને કહ્યું હતું કે, નવા મંત્રીમંડળે સૌપ્રથમ અર્થતંત્રને બેઠું કરવા અને અગાઉની જેમ સારી રીતે દોડતું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરવું પડશે.

તેમણે કહ્યું હતું કે, “સરકારે ગ્રામીણ અર્થતંત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે અમે નવી ટીમ (મંત્રીઓની) કેવી રીતે સ્થિતિને થાળે પાડે છે એ જોવા આતુર છીએ અને મને ખાતરી છે કે તેઓ અર્થતંત્રને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખાનગી રોકાણને પણ વેગ મળશે.

સ્ટીલ ક્ષેત્ર વિશે વાત કરતાં નરેન્દ્રને કહ્યું હતું કે, ભાજપનાં ઢંઢેરામાં માળખાગત સુવિધાઓ વિશે ઘણી વાત કરવામાં આવી છે અને જો સરકાર એને અનુસાર કામ કરે તથા માળખાગત સુવિધાઓમાં રોકાણ કરે, તો માગ અને ખર્ચદક્ષતા એમ બંને દ્રષ્ટિએ સ્ટીલ ઉદ્યોગ માટે સારી સ્થિતિ ઊભી થશે. તેમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એનબીએફસી ક્ષેત્રમાં લિક્વિડિટી વધારવા ઘણાં પગલાં લીધા છે.

વોર્વિક યુનિવર્સિટીમાં ડબલ્યુએમજી (વોર્વિક મેનુફેક્ચરિંગ ગ્રૂપ)નાં સ્થાપક અને ચેરમેન પ્રોફેસર ભટ્ટાચાર્ય બ્રિટિશ-ભારતીય એન્જિનીયર, એજ્યુકેટર અને સરકારી સલાહકાર છે. તેમનું તાજેતરમાં બ્રિટનમાં અવસાન થયું હતું. આ ઇવેન્ટમાં ટાટા ગ્રૂપનાં કાયમી ચેરમેન રતન ટાટાએ કહ્યું હતું કે, તેઓ 18થી 19 વર્ષ અગાઉ ભટ્ટાચાર્યને મળ્યાં હતાં અને ભારતમાં કારનું નિર્માણ કરવાનો પોતાનો વિચાર એમને જણાવ્યો હતો.

ટાટાએ કહ્યું હતું કે, “ભારતમાં હું આપણી પોતાની રીતે કારનું નિર્માણ કરવાનાં વિચારને લઈને હું બહુ ઉત્સાહિત હતો એટલે અમે મળ્યાં હતાં. ઘણાં લોકો મારાં વિચારને અતિ ઉત્સાહિત વિચાર માનતા હતાં. મારાં આંતરરાષ્ટ્રીય મિત્રોએ મારાથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. પછી ભારતમાં મારાં મિત્રો મારાથી અંતર જાળવતાં હતાં, કારણ કે નિષ્ફળતા સાથે નિકટતાને તેઓ ટાળવા માંગતા હતાં. આ સમયે એક વ્યક્તિએ મારી સાથે મિત્રતા જાળવી રાખી હતી અને તેઓ કુમાર હતાં. તેમને મને પ્રોત્સાહન આપ્યું હતું કે, જોખમ લેવું જોઈએ અને હકીકતમાં વોર્વિકમાંથી સારી એવી સહાય કરીને પીઠબળ પૂરું પાડ્યું હતું. એટલે ભારતમાં પ્રથમ કાર ઇન્ડિકા બની હતી.”

આ ઇવેન્ટમાં ટાટા સન્સનાં ગ્રૂપ ચેરમેન એન ચંદ્રશેખરન, ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપનીનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જમશેદ એન ગોદરેજ અને હેલો એન્ટરપ્રાઇઝીસનાં ચેરમેન સુનિલ કાંત મુંજાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.