Western Times News

Gujarati News

સદીના અંત સુધીમાં તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ વધી જશે

India's average temperature rose to 4.4 degrees

આગામી ૮૦ વર્ષોમાં પારો ૪.૭-૫.૫ ડિગ્રી વધશે-ચક્રવાતી વાવાઝોડાની સંખ્યા-તીવ્રતા વધતી જશેઃ રિપોર્ટ
નવી દિલ્હી,  ભારતનું સરેરાશ તાપમાન આ સદીના અંત સુધીમાં ૪.૪ ડિગ્રી સેલ્સિયસ વધી જશે. એટલું જ નહીં, દેશના ખાસ કરીને મેદાની પ્રદેશોમાં હીટ વેવ એટલે કે લુ વરસાવતા પવનોની ગતિ પણ ૩થી ૪ ગણી વધારે થઈ જશે. ચક્રવાતી વાવોઝાડાની સંખ્યા તેમજ તીવ્રતા વધી જશે.

દરિયાનું જળસ્તર ૩૦ સેન્ટીમીટર વધી જશે. ભારત સરકારની વૈજ્ઞાનિક એજન્સી ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ ટ્રોપિકલ મેટિયેરોલોજી (આઈઆઈટીએમ)ના પ્રથમ ક્લાઈમેટ એસેસમેન્ટ રિપોર્ટમાં પ્રકૃતિના બદલાતા મિજાજના ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટનું નામ છે – ‘અસેસમેન્ટ ઓફ ક્લાઈમેન્ટ ચેન્જ ઓવર ધ ઈન્ડિયન રીજન’. ભારતમાં સૌથી ગરમ દિવસનું તાપમાન ૦.૬૩ ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઠંડી રાત્રિનું તાપમાન ૦.૪ ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યુ છે.

આ ખુલાસો પણ તેમાં કરાયો છે. દેશમાં કલાઈમેન્ટ ચેન્જની આવી ભયાનક સ્થિતિ છેલ્લા ૩૦ વર્ષોમાં થઈ છે. એટલે કે વર્ષ ૧૯૮૬થી લઈને ૨૦૧૫ સુધી. આ તમામ આંકડા મુજબ આગામી ૮૦ વર્ષોમાં ભારતમાં સરેરાશ તાપમાન ૪.૭ ડિગ્રીથી ૫.૫ ડિગ્રી સે. વધી જશે. ૧૯૦૧થી લઈને ૨૦૧૮ સુધી ભારતમાં સરેરાશ તાપમાનમાં ૦.૭ ડિગ્રીનો વધારો થયો છે. ઉત્તરમાં હિન્દ મહાસાગરનું જળસ્તર ૧૮૭૪થી ૨૦૦૪ના દરમિયાન ૧.૦૬થી લઈને ૧.૭૫ મિલીમીટર વધ્યુ છે.

તે મુજબ વર્ષ ૨૧૦૦ સુધી ઉત્તરી હિન્દ મહાસાગરનું જળસ્તર ૩૦૦ મિલીમીટર એટલે કે ૩૦ સેન્ટીમીટર વધી જશે. આ દરમિયાન દુનિયાભરના દરિયાઓનું જળસ્તર ૧૮ સેન્ટીમીટર વધશે. જૂનથી સપ્ટેમ્બર સુધી જે મોનસુન સીઝન રહે છે. તેમાં ૧૯૫૧થી લઈ ૨૦૧૫ સુધીમાં ૬ ટકાનો ઘટાડો આવ્યો છે. સૌથી વધુ નુકસાન ગંગાના મેદાની વિસ્તારો અને પશ્ચિમી ઘાટને થયું છે.

જો તમે ૧૯૫૧થી ૧૯૮૦ સુધીના સમયની તુલના ૧૯૮૧થી ૨૦૧૧થી કરશો તો જાણવા મળશે કે ૧૯૮૧થી અત્યાર સુધીમાં ગરમી અને દુષ્કાળરૂપી પ્રકોપમાં ૨૭ ટકાનો વધારો થયો છે. છેલ્લાં બે દાયકાથી મોસમના બદલાયેલા મિજાજથી ચોમાસા દરમિયાન આવનાર ચક્રવાતી વાવાઝોડાની તીવ્રતા અને સંખ્યા વધતી જઈ રહી છે.

ઉત્તરી હિન્દ મહાસાગરમાં ચક્રવાતી વાવાઝોડા ફૂંકાવાની સંખ્યામાં વૃધ્ધિ થવાની ભવિષ્યવાણી પણ આ રિપોર્ટમાં કરાઈ છે. આ ઉપરાંત રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૧મી સદીના અંત સુધી ભારતના સરેરાશ તાપમાનમાં ૫૫થી ૭૦ ટકાનો ઈજાફો થઈ જશે. તેના કારણે ઈકોસિસ્ટમ, ખેતીવાડી, સ્વચ્છ પાણીના સ્ત્રોત, પાયાગત વિકાસની હાલત ખરાબ થઈ જશે. દરેક એક દાયકામાં ગરમ દિવસોની સંખ્યા ૯.૯ની ટકાવારી સાથે વધી છે. તો ગરમી વરસાવતી રાત્રિમાં ૭.૭ પ્રતિ દાયકાના દરથી વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.