Western Times News

Gujarati News

બોગસ ખાતું ખોલાવી રૂ. 21.14 કરોડની છેતરપીંડી

પ્રતિકાત્મક

કેનેરા બેંકના કર્મચારી સહિત ચારેય આરોપીની એલિસબ્રિજ પોલીસે કરેલી ધરપકડ

વીસનગર બેંકની એફડીની રકમ બોગસ ખાતામાં ટ્રાન્સફર કરી આરોપીઓએે આચરેલી છેતરપીંડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એલિસબ્રિજમાં આવેલી એક બેંકમાં અન્ય બેંંકે પોતાની રકમ રૂ.પાત્રીસ કરોડ ઓગણત્રીસ લાખ ફિક્સ ડીપોઝીટ તરીકે મુકી હતી. બાદમાં લોકડાઉન શરૂ થતાં જ કામકાજ તથા આર્થિક વ્યવહારો રોકાઈ ગયા હતા. લોકડાઉન ખુલતા જ બેંકના અધિકારીએ પોતાના કર્મચારીઓને એલિસબ્રિજ ખાતે બેંકમાં મોકલતા તેમાંથી રૂ.ર૧ કરોડ રૂપિયાથી વધુની રકમ ગાયબ હોવાનું માલુમ પડ્યુ હતુ. જેના પગલે ચોંકી ગયેલા અધિકારીઓ તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. અને તપાસ કરાવતા કેટલાંક ટ્રસ્ટના તથા અન્ય બેંક ખાતાઓમાં રકમ જમા થઈ હોવાનું બહાર આવ્યુ હતુ.

રૂ.ર૧.૧૪ કરોડ રીકવર કરવા પોલીસની કાર્યવાહી
કેનેરા બેંકના કર્મચારી સંદિપ શાહે આયોજનબધ્ધ રીતે કૌભાંડ આચર્યુ છે. લોકડાઉનનો ફાયદો ઉઠાવીને સંદિપે પોતાના સાગરી સાથે રૂ.ર૧ કરોડ જેટલી માતબર રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. બેંક અધિકારીઓના ધ્યાને આ સમગ્ર કૌભાંડ આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ રકમ ટ્રાન્સફર થયાની જાણ થતાં વિસનગર બેંકના ફડચા અધિકારીએ તાત્કાલિક પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

એલિસબ્રિજ પોલીસ પણ સમગ્ર કૌભાંડની જાણકરી મળતા ચોંકી ઉઠી હતી. આટલી મોટી રકમની છેતરપીંડી થતાં પોલીસ અધિકારીઓ સક્રિય બની ગયા હતા. અને તાત્કાલિક તપાસ શરૂ કરતા રૂપિયા જે ખાતામાં ટ્રાન્સફર થયા હતા તેની વિગતો મેળવી હત. જેમાં કેનેરા બેંકના કર્મચારી સહિત ચાર વ્યક્તિઓની સંડોવણી બહાર આવી હતી. સૌ પ્રથમ પોલીસ અધિકારીઓએે તમામ રકમ રીકવર કરવા કાર્યવાહી શરૂ કરી છે. અને ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ અંગે ઝીણવટપૂર્વક તપાસ ચલાવતા પ્રાથમિક તબક્કે બેંકના એક કર્મચારી સહિત ૪ શખ્સોના નામ સામે આવ્યા હતા. જેના પગલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ ઘટનામાં સંડોવાયેલા બેંક કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેની મુખ્ય આરોપી તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પ્રતિકભાઈ ઉપાધ્યાય મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર તથા વિસનગર નાગરીક સહકારી બેંક (ફડચા) માં ફડચા અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની બેંકની કુલ પાંત્રીસ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાની રકમ માર્ચ મહિનાથી અમદાવાદ આશ્રમ રોડ ઉપર નહેરૂબ્રિજ નજીક આવેલી કેનેરા બેંકમાં ભરવામાં આવી હતી. જે ફિક્ષ ડીપોઝીટ કરવામાં આવી હતી.

બાદમાં તુરંત જ લોકડાઉન શરૂ થતાં તે આ અંગેનું સ્ટેટમેન્ટ મેળવી શક્યા નહોતા. તાજેતરમાં જ લોકડાઉન ખુલતા જ પ્રતિકભાઈએ અમદાવાદ ખાતેના પોતાના બે કર્મચારીઓને આ અંગે કેનેરા બેંકમાં મોકલ્યા હતા. બેંક તરફથી આપવામાં આવેલું સ્ટેટમેન્ટમાં રૂ.ર૧ કરોડની રકમ ઓછી જણાતા પ્રતિકભાઈ ચોંકી ઉઠ્યા હતા. અને અન્ય અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. બાદમાં વધુ તપાસ કરાવતા રૂ.ર૧ કરોડની રકમ અઘોરી આદેશનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ, કડી સર્વિસ ફાઉન્ડેશન તથા કંચન લક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત બીજી કંપનીઓ અને કેટલાંક ઈસમોના ખાતામાં જમા કરવામાં આવી હતી.

છેતરપીંડીનું પગેરૂ કેનેરા બેંકના જ એક કર્મચારી સુધી પહોંચતા તમામ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે જે શખ્સોના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવી છે તે તમામની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુત્રોનું માનીએ તો વિસનગર બેંકની સરપ્લસ રકમ ૩પ.ર૯ કરોડ એક વર્ષ માટે કેનેરા બેંકમાં ફિક્સ ડીપોઝીટ તરીકે મુકવામાં આવી હતી. જ્યાં બેંકના જ સંદિપ હર્ષદલાલ શાહ નામના કર્મચારીએ વિસનગર બેંકનું નકલી ખાતું બનાવી તમામ રકમ તેમાં ટ્રાન્સફર કરી દીધી હતી. બાદમાં આ છેતરપીંડીમાં સામેલ ઈસમોના ખાતામાં જમા કરવામાં આવે હતી.

આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પીઆઈ પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં કેનેરા બેંકના કર્મચારી સંદિપ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  અને તેને મુખ્ય આરોપી બનાવીને તેના સિવાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મયુરભાઈ જાદવ, દિનેશ સોમાણી, ઈમરાન તાજ મહોમ્મદ મલીક વિરૂધ્ધ ફરીયાદ નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ ઘટનામાં અન્ય કેટલાંક ઈસમોના પણ નામ બહાર આવવાની શક્યતાઓ છે. અને વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. હાલમાં પોલીસે ચારેયની અટક કરી લીધી હોવાનું જાણવા મળ્યુ છે. અને નવા કાયદા મુજબ તેમને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. બેંકના જ કર્મચારી દ્વારા આટલી મોટી રકમની છેતરપીંડી-તફડંચીનું કાવતરૂ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. અને પોલીસ હવે આ કાવતરામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.